દક્ષિણ આફ્રિકાએ પ્રવાસી ભારતીય ક્રિકેટ ટીમને રવિવારે (10 નવેમ્બર) બીજી ટી-20 મેચમાં ત્રણ વિકેટે હરાવી રોમાંચક વિજય મેળવ્યો હતો અને સાથે જ ચાર ટી-20ની સીરીઝમાં 1-1થી બરાબરી કરી હતી. આ સાથે દક્ષિણ આફ્રિકાએ ભારતની સળંગ 11 ટી-20 મેચની વિજયકૂચ ઉપર પણ બ્રેક મારી હતી. આ અગાઉ, શુક્રવારે ભારતે પહેલી ટી-20માં દ. આફ્રિકાને 61 રને હરાવી સીરીઝનો વિજયી આરંભ કર્યો હતો.
રવિવારે ગેબેર્હામાં રમાયેલી બીજી ટી-20માં સા. આફ્રિકાના સુકાની એડન માર્ક્રમે ટોસ જીતી ભારતને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું અને તેનો આ નિર્ણય યોગ્ય પણ ઠર્યો હતો. ભારત 20 ઓવરમાં છ વિકેટે ફક્ત 124 રન કરી શક્યું હતું. પ્રથમ મેચનો હિરો સંજુ સેમસન આ મેચમાં ખાતું ખોલાવ્યા વિના પાછો ફર્યો હતો, તો સુકાની સૂર્યકુમાર યાદવ સહિત ભારતના ટોપ ઓર્ડરે નિરાશ કર્યા હતા. ટીમે 15 રનમાં ત્રીજી અને 45 રનમાં ચોથી વિકેટ ગુમાવી દીધી હતી. હાર્દિક પંડ્યાના અણનમ 39, અક્ષર પટેલના 27 અને તિલક વર્માના 20 રન મુખ્ય હતા.
જવાબમાં ભારત તરફથી પણ વેધક બોલિંગના પગલે સા. આફ્રિકાએ 64 રને ચોથી અને 66 રનમાં છઠ્ઠી તેમજ 84 રનમાં સાતમી વિકેટ ગુમાવી દીધી હતી અને ત્યારે 16મી ઓવર પુરી થવાના આરે હતી. અર્શદીપે પહેલી વિકેટ ખેરવ્યા પછી સ્પિનર વરૂણ ચક્રવર્તીએ તરખાટ મચાવ્યો હતો અને ફક્ત 17 રન આપી પાંચ વિકેટ ખેરવી હતી. પણ તેની ઓવર્સ પુરી થયા પછી સુકાની સૂર્યકુમાર યાદવ થાપ ખાઈ ગયો હતો અને અક્ષર પટેલને બોલિંગ નહીં આપીને મેચ ગુમાવી દીધી હોવાનું બધા જાણકારોનું માનવું રહ્યું છે. છેલ્લી ત્રણ ઓવરમાં જેરાલ્ડ કોટ્ઝી અને ટ્રિસ્ટાન સ્ટબ્સે ધમાકેદાર બેટિંગ કરી 40થી વધુ રન ફટકારી એક સમયે નિશ્ચિત મનાતો ટીમનો પરાજય ખાળ્યો હતો અને ત્રણ વિકેટે સા. આફ્રિકાનો 19મી ઓવરના અંતે જ વિજય થયો હતો. અક્ષર પટેલની ત્રણ ઓવર બાકી રહી હતી. સા. આફ્રિકા તરફથી સ્ટબ્સ 41 બોલમાં અણનમ 47 કર્યા બદલ પ્લેયર ઓફ ધી મેચ જાહેર થયો હતો, તો કોટ્ઝીએ 9 બોલમાં અણનમ 19 રન કર્યા હતા.
પ્રથમ ટી-20માં ભારતનો 61 રને વિજયઃ અગાઉ શુક્રવારે ડર્બનમાં રમાયેલી પ્રથમ ટી-20માં ઓપનર સંજુ સેમસનની આતશબાજીભરી બેટિંગ અને સદી સાથે ભારતે 8 વિકેટે 202 રન ખડકી દીધા હતા, જેના જવાબમાં સા. આફ્રિકા 17.5 ઓવરમાં 141 રનમાં ઓલાઉટ થઈ ગયું હતું.
ભારત તરફથી સંજુ સેમસનની સદી ઉપરાંત તિલક વર્માએ 33 અને સુકાની સૂર્યકુમાર યાદવે 21 રન કર્યા હતા, તો સા. આફ્રિકાએ આઠ બોલર્સ અજમાવ્યા હતા, જેમાંથી બે ઓવરમાં 35 રન આપી પેટ્રિક ક્રુગર અને ત્રણ ઓવરમાં 35 રન આપી નાબાયોમ્ઝી પીટર સૌથી મોંઘા સાબિત થયા હતા, બન્નેએ એક-એક વિકેટ લીધી હતી.
સા. આફ્રિકાના ઈનિંગમાં હેનરીક ક્લાસેને સૌથી વધુ 25 અને જેરાલ્ડ કોટ્ઝીએ 23 રન કર્યા હતા. ભારત તરફથી વરૂણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈએ 3-3 વિકેટ ખેરવી હતી. 47 બોલમાં સદી અને 50 બોલમાં 10 છગ્ગા અને 7 ચોગ્ગા સાથે 107 રન બદલ સંજુ સેમસનને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.