પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

બ્રિટિશ યુગના ફોજદારી કાયદાનો સોમવાર પહેલી જુલાઇએ અંત આવ્યો હતો  અને તેની જગ્યાએ વ્યાપક ફેરફારો સાથેની ભારતીય ફોજદારી ન્યાય પ્રણાલી અમલી બની હતી. બ્રિટિશ-યુગના ભારતીય દંડ સંહિતા, (આઇપીસી) ફોજદારી કાર્યવાહી સંહિતા (સીઆરપીસી) અને ભારતીય પુરાવા ધારાની જગ્યાએ હવે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષી ધારો અમલી બન્યાં છે.

નવા કાયદાઓમાં ઝીરો એફઆઈઆર, પોલીસ ફરિયાદોની ઓનલાઈન નોંધણી, એસએમએસ જેવા ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા સમન્સ અને તમામ જઘન્ય ગુનાઓ માટે ગુનાના દ્રશ્યોની ફરજિયાત વીડિયોગ્રાફી જેવી જોગવાઈઓનો સમાવેશ થાય છે.

નવા કાયદા અનુસાર ફોજદારી કેસોમાં ટ્રાયલ પૂર્ણ થયાના 45 દિવસમાં ચુકાદો આવશે અને પ્રથમ સુનાવણીના 60 દિવસમાં આરોપો ઘડવામાં આવશે. બળાત્કાર પીડિતાનું નિવેદન મહિલા પોલીસ અધિકારી દ્વારા તેના વાલી અથવા સંબંધીની હાજરીમાં નોંધવામાં આવશે અને સાત દિવસમાં મેડિકલ રિપોર્ટ આપવાનો રહેશે.

સંગઠિત ગુનાઓ અને આતંકવાદના કૃત્યોને વ્યાખ્યાયિત કરાયા છે. રાજદ્રોહમા જગ્યાએ દેશદ્રોહ શબ્દનો ઉલ્લેખ કરાયો છે. તમામ સર્ચ કાર્યવાહી અને જપ્તીનું વીડિયો રેકોર્ડિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓ પર એક નવા ચેપ્ટરનો સમાવેશ કરાયો છે. કોઈપણ બાળકની ખરીદી અને વેચાણને જઘન્ય અપરાધ બનાવવામાં આવ્યો છે અને સગીર સાથે ગેંગરેપ માટે મૃત્યુદંડ અથવા આજીવન કેદની જોગવાઈ છે.નવા કાયદામાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓ, હત્યા અને રાજ્ય વિરુદ્ધના ગુનાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

નવા કાયદામાં માત્ર 358 કલમો હશે, જે  ભારતીય દંડ સંહિતા 511 હતી. લગ્નના ખોટા વચનો, સગીરો પર સામૂહિક બળાત્કાર, મોબ લિંચિંગ, ચેઈન સ્નેચિંગ વગેરે ગુનાઓ માટે ભારતીય ન્યાય સંહિતમાં ચોક્કસ જોગવાઈઓ કરાઈ છે. લગ્નના ખોટા વચન આપીને શારીરિક સંબંધ બાંધ્યા બાદ મહિલાઓને ત્યજી દેવા જેવા કેસ માટે નવી જોગવાઈ કરવામાં આવી છે.

નવા કાયદા હેઠળ કોઇ વ્યક્તિ હવે પોલીસ સ્ટેશનની રૂબરુ મુલાકાત લીધા વગર ઈલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન દ્વારા ઘટનાઓની જાણ કરી શકે છે. તેનાથી ગુનાને પોલીસને જાણ કરવાની પ્રક્રિયા સરળ અને ઝડપી બનશે અને પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી શકશે. ઝીરો એફઆઈઆરની જોગવાઈ સાથે વ્યક્તિ અધિકારક્ષેત્રને ધ્યાનમાં લીધા વિના કોઈપણ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી શકશે. તેનાથી પોલીસ સ્ટેશનો વચ્ચે અધિકારક્ષેત્રનો વિવાદ ઊભો નહીં અને લોકોએ વિવિધ પોલીસ સ્ટેશનોના ધક્કા ખાવા પડશે નહીં.

કાયદામાં એક રસપ્રદ ઉમેરો એ છે કે ધરપકડની ઘટનામાં, વ્યક્તિને તેની પસંદગીની વ્યક્તિને તેની સ્થિતિ વિશે જાણ કરવાનો અધિકાર છે. તેનાથી ધરપકડ કરાયેલ વ્યક્તિને તાત્કાલિક સમર્થન અને સહાય મળશે. આ ઉપરાંત ધરપકડની વિગતો હવે પોલીસ સ્ટેશનો અને જિલ્લા મુખ્યાલયોમાં સ્પષ્ટપણે પ્રદર્શિત કરવામાં આવશે, જેનાથી ધરપકડ કરાયેલ વ્યક્તિના પરિવારજનો અને મિત્રોને મહત્વપૂર્ણ માહિતી સરળતાથી મળી શકશે.

કેસ અને તપાસને મજબૂત બનાવવા ફોરેન્સિક નિષ્ણાતો માટે ગંભીર ગુનાઓ માટે ગુનાના સ્થળોની મુલાકાત લેવી અને પુરાવા એકત્રિત કરવા ફરજિયાત બની ગયા છે. નવા કાયદા હેઠળ, મહિલાઓ વિરુદ્ધના ગુનાના કિસ્સામાં પીડિત મહિલાઓ 90 દિવસમાં તેમના કેસની પ્રગતિ અંગે નિયમિત અપડેટ મેળવવા માટે હકદાર છે.નવા કાયદાઓ તમામ હોસ્પિટલોમાં મહિલાઓ અને બાળકો સામેના ગુનાનો ભોગ બનેલા પીડિતોને મફત પ્રાથમિક સારવાર અથવા તબીબી સારવારની ખાતરી આપે છે.

LEAVE A REPLY