ફ્રાન્સના અધિકારક્ષેત્ર હેઠળના હિંદ મહાસાગરમાં આવેલા માયોટ દ્વીપસમૂહ પર શનિવારની રાત્રે ત્રાટકેલા સદીના સૌથી વિનાશક ‘ચિડો’ વાવાઝોડાથી સેંકડો અને કદાચ હજારોના મોતની આશંકા છે. માયોટના બંને ટાપુ પર વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી.
માયોટ પ્રીફેક્ટ ફ્રાન્કોઇસ-ઝેવિયર બ્યુવિલેએ કહ્યું કે મને લાગે છે કે સેંકડો લોકો આ વાવાઝોડાને કારણે માર્યા ગયા છે, કદાચ સંખ્યા હજારોમાં હોઇ શકે છે. અધિકારીઓએ રવિવારે અગાઉ માયોટમાં ઓછામાં ઓછા 11 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી હતી, પરંતુ પછીથી જણાવ્યું હતું કે સંખ્યા વધવાની અપેક્ષા છે. આફ્રિકાના કિનારે દક્ષિણ-પૂર્વ હિંદ મહાસાગરમાં સ્થિત માયોટ ફ્રાન્સનો સૌથી ગરીબ ટાપુ પ્રદેશ અને યુરોપિયન યુનિયનનો સૌથી ગરીબ પ્રદેશ ગણાય છે.
ફ્રાન્સના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચિડોને કારણે 220 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાયો હતો, જેના કારણે માયોટમાં અનેક મકાનોને નુકસાન થયું હતું. માયોટની વસ્તી 3 લાખથી વધુ છે. કેટલાક સ્થળોએ સમગ્ર વિસ્તાર નાશ પામ્યો હતો. સ્થાનિક રહેવાસીઓએ અહેવાલ આપ્યો હતો કે ઘણા વૃક્ષો ઉખડી ગયાં હતાં અને હોડીઓ પલટી કે ડૂબી ગઈ હતી.
ચિડોના મૃત્યુઆંક અંગે ફ્રાન્સના ગૃહ મંત્રાલયે કહ્યું કે તમામ મૃતકોનો હિસાબ આપવો મુશ્કેલ છે અને આ તબક્કે આંકડો નક્કી કરી શકાયો નથી. ચિડો વાવાઝોડાને કારણે 200 કિમી પ્રતિ કલાક (124 માઇલ પ્રતિ કલાક)થી વધુની ઝડપે પવન ફુંકાયો હતો અને તેનાથી મકાનો, સરકારી ઇમારતો અને હોસ્પિટલને નુકસાન થયું હતું. આ ટાપુઓ પર ત્રાટકનાર 90થી વધુ વર્ષોમાં તે સૌથી વિનાશક તોફાન હતું.
ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું હતું કે મારી સંવેદના માયોટમાં અમારા દેશબંધુઓ સાથે છે, જેઓ ખૂબ જ ભયાનક કલાકોમાંથી પસાર થયા છે અને જેમણે બધું ગુમાવ્યું છે, પોતાનો જીવ ગુમાવ્યો છે.
માયોટામાં આશરે 100,000થી વધુ ગેરકાયે ઇમિગ્રન્ટ્સ રહે છે. ચોક્કસ મૃત્યુઆંક જાણવાનું મુશ્કેલ બનશે, કારણે માયોટ એક મુસ્લિમ ભૂમિ છે, જ્યાં મૃતકોને 24 કલાકની અંદર દફનાવવામાં આવે છે.