અભિનેતા અલ્લુ અર્જુન અને ફિલ્મ ‘પુષ્પા’ના નિર્માતાઓએ બુધવારે હૈદરાબાદમાં એક થિયેટરમાં 4 ડિસેમ્બરે ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં મૃત્યુ પામેલી મહિલાના પરિવાર માટે 2 કરોડ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.
અલ્લુ અર્જુનના પિતા અને પીઢ નિર્માતા અલ્લુ અરવિંદ, દિલ રાજુ અને અન્ય લોકોએ નાસભાગમાં ઘાયલ થયેલા એક યુવકની આરોગ્યની પૂછપરછ કરવા માટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અલ્લુ અર્જુન (રૂ. 1 કરોડ), પુષ્પા પ્રોડક્શન કંપની મિત્રી મૂવી મેકર્સ (રૂ.50 લાખ), અને ફિલ્મના દિગ્દર્શક સુકુમાર (રૂ. 50 લાખ)એ પીડિતના પરિવારને ટેકો આપવા માટે નાણાકીય સહાય આપી છે.
ભાગદોડ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ બાદ કોંગ્રેસ સરકાર અને ફિલ્મ ઉદ્યોગ વચ્ચેના સંબંધોમાં તણાવ અંગેની અટકળો વચ્ચે દિલ રાજુએ જણાવ્યું હતું કે ફિલ્મના હીરો, અલ્લુ અરવિંદ સહિતના નિર્માતાઓ અને દિગ્દર્શકો ગુરુવારે સવારે 10 વાગ્યે મુખ્યપ્રધાનને મળશે. શાસક કોંગ્રેસના નેતાઓએ ગયા અઠવાડિયે અલ્લુ અર્જુનની ટિપ્પણીઓની ટીકા કરી હતી. અલ્લુ અર્જૂને નાસભાગની ઘટનાને સંપૂર્ણ રીતે આકસ્મિક ગણાવી હતી અને ફિલ્મ સ્ક્રીનીંગ પહેલા “રોડશો” અંગે સીએમ રેવન્ત રેડ્ડીએ કરેલા આક્ષેપોને નકારી કાઢ્યા હતા.
હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં 4 ડિસેમ્બરે ‘પુષ્પા 2’ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી ત્યાં નાસભાગ દરમિયાન 35 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું અને તેના આઠ વર્ષનો પુત્ર ઘાયલ થયો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઘટના પછી મૃતક મહિલાના પરિવારની ફરિયાદના આધારે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ મહિલાના મૃત્યુના કેસમાં શહેર પોલીસે 13 ડિસેમ્બરે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી.તેલંગાણા હાઈકોર્ટે તે જ દિવસે તેને ચાર સપ્તાહના વચગાળાના જામીન આપતા તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.