(Photo by AFP) (Photo by STR/AFP via Getty Images)

બોલીવૂડની ફિલ્મોમાં દર્શકોને આકર્ષવા માટે ખૂબ જ મોટા બજેટ ફાળવવામાં આવે છે. આ નાણા ઘણીવાર, કલાકારો, ટેકનોલોજી, વિદેશી લોકેશન્સમાં શૂટિંગ માટે ખર્ચવામાં આવે છે. પરંતુ આ ફિલ્મોમાં ગીતોને યાદગાર બનાવવા માટે પણ મોટો ખર્ચ કરવામાં આવે છે. આવો ખર્ચ ભૂતકાળમાં પણ થતો હતો અને અત્યારે પણ તેવો ટ્રેન્ડ જોવા મળે છે.
હિન્દી ફિલ્મોનાં ગીતોમાં માત્ર શબ્દાંકન જ કર્ણપ્રિય હોય તેવું નથી, તેની સાથે તેનું ફિલ્માંકન પણ ભવ્ય હોય તેવું માનવામાં આવે છે, તેથી તે માટે મોટો ખર્ચ કરવામાં આવે છે. અહીં એવા કેટલાક ખર્ચાળ ફિલ્મી ગીતોની માહિતી રજૂ કરવામાં આવી છે.

પાર્ટી ઓલ નાઈટ… (બોસ)

અક્ષયકુમારની ફિલ્મ ‘બોસ’ના ‘પાર્ટી ઓલ નાઇટ’ ગીત સૌથી વધુ મોંઘા ગીતોમાં સ્થાન ધરાવે છે. આ ગીતને બેંગકોકની એક કલબમાં ફિલ્માવવામાં આવ્યું હતું. ગીતની ફ્રેમમાં 600 વિદેશી મોડલ્સ દર્શાવવામાં આવી હતી. તે બ્રેકગ્રાઉન્ડ ડાન્સર્સ તરીકે ડાન્સ કરતી જોવા મળી હતી. આ ગીતને યોયો હની સિંહે ગાયું હતું અને કોરિયોગ્રાફી સુમિત દત્ત અને રાજુ ખાનની હતી. કહેવાય છે કે, આ ગીતના ફિલ્માંકન માટે રૂ. છ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

મલંગ… (ધૂમ-૩)

‘ધૂમ ૩’ના ગીત ‘મલંગ’ પર લગભગ પાંચ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો થયો હતો. આમિર ખાન અને કેટરિના કૈફ પર ફિલ્માવવામાં આવેલા આ ગીતમાં ૨૦૦ વિદેશી જિમ્નાસ્ટ બોલાવામાં આવ્યા હતા.

તૂ મેરી… મેં તેરા… (નમસ્તે ઇંગ્લેન્ડ)

અર્જુન કપૂર અને પરિણિતી ચોપરાની ફિલ્મ ‘નમસ્તે ઇંગ્લેન્ડ’નું ગીત ‘તૂ મેરી મૈં તેરા’ લોકપ્રિય થયું હતું. આ ગીતમાં લગભગ લગભગ 20 જેટલા સ્થળ દર્શાવવામાં આવ્યા હતા. જેનો ખર્ચ લગભગ રૂ. સાડા પાંચ કરોડ જેવો હતો. આ એક ગીતનું શૂટિંગ 11 દિવસે પૂર્ણ થયું હતું.

જલેબી બાઇ…. (ડબલ ધમાલ)

કોમેડી ફિલમ ‘ડબલ ધમાલ’ ઘણી સફળ થઇ હતી. કોમેડીની સાથેસાથે એક ગીત ‘જલેબી બાઇ’ જેના પર મલ્લિકા શેરાવત થિરકી હતી તે લોકપ્રિય થયું હતું. આ ગીત માટે લગભગ રૂપિયા દોઢ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો તેવું કહેવાય છે.

સેટરડે.. સેટરડે..(હમ્ટી શર્મા કી દુલ્હનિયાં)

હમ્ટી શર્મા કી દુલ્હનિયાં ફિલ્મ જે વર્ષે રીલીઝ થઇ હતી તેનું ગીત ‘સેટરડે… સેટરડે…’ એ વર્ષના ગીતોમાંનું એક હિટ ગીત હતું. જેમાં આલિયા ભટ્ટ અને વરુણ ધવનની જોડી હતી. આ ગીત પાછળ રૂપિયા ત્રણ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો તેવું ફિલ્મ સમીક્ષકો માને છે.

ઠા કરકે …(ગોલમાલ રીટર્ન્સ )

ગોલમાલ સીકવલની આ ફિલ્મનું ગીત ‘ ઠા કરકે’માં એક હજાર બેકગ્રાઉન્ડ ડાન્સર્સ, 180 સ્ટંટમેન અને દરેક સ્ટાર્સ સાથે ફિલ્માવવામાં આવ્યું હતું. રોહિત શેટ્ટીએ આ ગીતમાં 10 લકઝુરિયસ કારને દેખાડી હતી. આ ગીતનું શૂટિંગ 10 દિવસે પૂર્ણ થયું હતું અને તેમાં રૂપિયા સાડા ત્રણ કરોડ જેટલો ખર્ચ થયો હતો.

જબ પ્યાર કિયા તો ડરના ક્યા…(મુગલ-એ-આઝમ)

1960માં રિલીઝ થયેલી ‘મુગલ-એ-આઝમ’ના ગીત ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ માટે ભવ્ય શીશમહલનો સેટ બનાવવામાં આવ્યો હતો. આ સેટને બનાવતા જ બે વર્ષ થયા હતા. 150 ફૂટ લાંબો અને 80 ફૂટ પહોળો મહેલ બનાવવામાં ફિલ્મના બજેટ કરતાં વધુ ખર્ચ થયો હતો. ફિલ્મ માટે બેલ્જિયમથી ખાસ કાચ મંગાવામાં આવ્યા હતા. આ ગીતને ટેકની કલરમાં ફિલ્માવવામાં આવ્યું હતું. એ સમયનું આ સૌથી મોંઘું ગીત હતું અને તેના માટે એક લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ અત્યારે આવા ગીત માટે આવો જ સેટ બનાવવા જઇએ તો અઢી કરોડ જેટલો ખર્ચ થાય.

છમક છલ્લો….(રા. વન)

શાહરુખ ખાને ફિલ્મ ‘રા. વન’ માટે માતબર ખર્ચ કર્યો હતો. આ ફિલ્મના એક ગીત માટે હોલીવૂડ સિંગરને ભારત બોલાવામાં આવ્યો હતો. રાજ સ્ટુડિયોઝમાં આ ગીત પાછળ રૂપિયા ત્રણ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો તેવું કહેવાય છે, જેનું ફિલ્માંકન કરીના કપૂર પર કરવામાં આવ્યું હતું.

ડોલા રે ડોલા… (દેવદાસ)

સંજય લીલા ભણશાળીની શાહરૂખ ખાન, માધુરી દીક્ષિત અને ઐશ્વર્યા રાય બચ્ચન અભિનિત જાણીતી ફિલ્મ ‘દેવદાસનું ગીત ‘ ડોલા રે ડોલા..’ ખૂબ જ સુપરહિટ થયું હતું. તેનું ફિલ્માંકન પણ લોકોને પસંદ પડયું હતું. આ ફિલ્મ માટે ભવ્ય સેટ બનાવવામાં આવવ્યો હતો. આ ગીતની કોરિયોગ્રાફી સરોજ ખાને કરી હતી. આ ગીત માટે અઢી કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

કિલિમાંજારો (રોબોટ)

રજનીકાંત અને ઐશ્વર્યા રાયની ફિલ્મ રોબોટના એક ગીતનું શૂટિંગ પેરુમાં થયું હતું. આ ગીતની કોરિયોગ્રાફી રાજુ સુંદરમે કરી હતી. રાજુ સુંદરમ ડિરેક્ટર પ્રભુ દેવાનો ભાઈ છે. આ ગીતમાં કમ્પ્યુટર-ઇફેક્ટ્સ પણ ઉમેરવામાં આવી હતી. આ ઉપરાંત 1998માં રિલીઝ થયેલી ફિલ્મ ‘જીન્સ’માં ઐશ્વર્યા રાય પર એક ગીત શૂટ કરવામાં આવ્યું હતું, જેનું શૂટિંગ દુનિયાની સાતેસાત અજાયબીના રિયલ લોકેશન પર જઈને કરવામાં આવ્યું હતું. આ ગીતનું બજેટ એક કરોડ રૂપિયાથી પણ વધી ગયું હતું.

અજીમ ઓ શાન શહેનશાહ…(જોધા અકબર)

આશુતોષ ગોવારીકરની જાણીતી ફિલ્મ ‘જોધા અકબર’માં રિતિક રોશન અને ઐશ્વર્યા રાય બચ્ચન હતા. આ ફિલ્મના ગીત ‘ અજીમ ઓ શહેનશાહ… માટે રૂપિયા અઢી કરોડનો ખર્ચ થયો હતો. આ ગીતમાં ૪૦૦ ડાન્સર્સ અને ૨૦૦૦ સાઇડ આર્ટિસ્ટ લેવામાં આવ્યા હતા.

LEAVE A REPLY