ઉત્તરપ્રદેશમાં મદરેસાઓને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે મંગળવારે 2004ના ઉત્તરપ્રદેશ બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન લોને બંધારણીય રીતે યોગ્ય ઠેરવ્યો હતો અને અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને રદ કર્યો હતો. અગાઉ અલ્હાબાદ હાઇકોર્ટે યુપી મદરેસા કાયદાને રદ કર્યો હતો.
ચીફ જસ્ટિસ (CJI) ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે, હાઈકોર્ટે એવું માનવામાં ભૂલ કરી હતી કે કાયદો બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. અમે યુપી મદરેસા કાયદાની બંધારણીય રીતે યોગ્ય ઠેરવીએ છીએ.
આ આદેશ યુપી મદરેસાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે મોટી રાહત તરીકે આવ્યો છે કારણ કે હાઇકોર્ટે મદરેસાઓને બંધ કરવાનો અને વિદ્યાર્થીઓને રાજ્યની અન્ય શાળાઓમાં સ્થાનાંતરિત કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉની ઈદગાહના ઈમામ અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સભ્ય મૌલાના ખાલિદ રશિદ ફિરંગીએ આ ચુકાદા પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, આ ચુકાદો મદરેસા સાથે સંકળાયેલા લોકો માટે ખુશીની લહેર સમાન છે. યુપી મદરેસા અધિનિયમનો મુસદ્દો ઉત્તર પ્રદેશ સરકારે જ બનાવ્યો હતો. અને સરકાર દ્વારા બનાવવામાં આવેલો અધિનિયમ કેવી રીતે ગેરબંધારણીય હોઈ શકે. અમે પહેલાં જ કહ્યું હતું કે, અમે મદરેસામાં ઈસ્લામિક શિક્ષણ ઉપરાંત આધુનિક શિક્ષણનું પણ સિંચન કરીએ છીએ.
મુસ્લિમ ધાર્મિક નેતાઓ અને વિરોધ પક્ષોએ મંગળવારે સુપ્રીમ કોર્ટના આદેશનું સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે મદરેસાઓને હંમેશા શંકાની નજરે જોવું ખોટું છે.