અમેરિકાની ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં ધીમી ગતિએ ઘટાડો કરવાનો સંકેત આપ્યા પછી ગુરુવાર, 19 ડિસેમ્બરે ભારતનો રૂપિયો અમેરિકન ડોલર સામે પ્રથમ વખત 85થી નીચા સ્તરે ગબડ્યો હતો. ડોલર સામે રૂપિયો 12 પૈસા ઘટીને 85.0675ની નીચી સપાટીએ બંધ આવ્યો હતો.
ડોલર સામે રૂપિયો બે મહિનામાં 84થી 85ની સપાટીએ આવી ગયો હતો. 83થી ઘટીને 84 થતાં આશરે 14 મહિના લાગ્યા હતા. આ ઉપરાંત 82થી ઘટીને 83એ જતાં 10 મહિના લાગ્યા હતા.
અમેરિકામાં ટ્રમ્પ સત્તા પર આવવાની પાછળ ડોલર સામે રૂપિયો લગભગ દોઢ ટકા ઘટ્યો છે. ઇમર્જીંગ માર્કેટની કરન્સી પર પણ નકારાત્મક અસર થઈ છે. ટ્રમ્પે ટેરિફમાં વધારો કરવાના આપેલા સંકેતોથી ભવિષ્યમાં ફુગાવો ઊંચો રહેવાની સંભાવનાએ પણ સેન્ટીમેન્ટ ખરડાયું છે.
