(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

યુવા અભિનેતા પ્રતીક ગાંધી અત્યારે તેની નવી ઓટીટી ફિલ્મ ‘અગ્નિ’ની સફળતાને કારણે ચર્ચામાં છે. રાહુલ ધોળકિયા દિગ્દર્શિત આ ફિલ્મ અત્યારે પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે. ‘અગ્નિ’ ફાયરફાઇટરના જીવન પર આધારીત ફિલ્મ છે. જેમાં પ્રતીક ગાંધી ફાયર સ્ટેશનના ચીફ વિઠ્ઠલરાવ ધોન્દુબા સર્વેની ભૂમિકામાં છે.

તાજેતરમાં પ્રતીક ગાંધીએ એક ઇન્ટરવ્યૂમાં આ ફિલ્મની સફળતા અંગે વાત કરી હતી. તેણે કહ્યું, “મારા માટે આ એક મહત્ત્વની ફિલ્મ હતી. આપણે આ બહાદુર લોકોને જોઈએ છીએ, જે લોકો અજાણ્યા લોકો માટે પોતાનો જીવ જોખમમાં મુકે છે. પરંતુ આપણે ક્યારેય એમની બહાદુરીની નોંધ લેતા નથી. અગ્નિ ફિલ્મ સુંદર છે અને તેને જે પ્રતિસાદ મળ્યો છે, તે જોઇને ખુબ ખુશી થાય છે.”

ઘણા લોકોનો એવો મત છે કે અગ્નિ જો મોટા પડદે રિલીઝ થઈ હોત તો લોકોને વધુ મજા આવી હોત. આ અંગે પ્રતીકે કહ્યું, “હા, જો આ ફિલ્મ થીએટરમાં રિલીઝ થઈ હોત તો લોકોને અલગ અનુભવ મળ્યો હોત. જોકે, મારે એ પણ સ્વીકારવું જોઈએ કે ઓટીટીના કારણે ફિલ્મને ઘણી સફળતા મળી છે. તેના કારણે અમે બહુ બહોળા દર્શકવર્ગ સુધી પહોંચી શક્યા છીએ. જ્યાં સિનેમા હોલ નથી ત્યાં પણ આ ફિલ્મ પહોંચી શકી છે. તેથી હું ખરેખર ખુશ છું કે ફિલ્મ ઓટીટી પર આવી.”

હંસલ મહેતાની ‘સ્કેમ 1992’ પછી પ્રતીક ગાંધી ખૂબ જ જાણીતો ચહેરો બની ગયો છે. થોડાં વખત પહેલા જાણીતા ફિલ્મ દિગ્દર્શક ડેવિડ ધવને ઓટીટીના કલાકારોની ટીકા કરતા કહ્યું હતું કે, “થિએટરમાં આવો અને તમારી ઔકાત બતાવો.”

આ નિવેદન અંગે પ્રતીકે કહ્યું હતું કે, “મને ખબર નથી એમણે આ વાત કયા સંદર્ભે કહેલી. પરંતુ એક કલાકાર તરીકે, હું દરેક માધ્યમ પર કામ કરવા માગું છું. એમ તો લોકો એવું પણ કહી શકે કે તમે બે કલાકમાં પડદા પર કામ કરી લો છો, તો ખરા દર્શકો સામે રંગમંચ પર આવીને 2 કલાકનું નાટક કરી બતાવો. કોઈ પણ કહી શકે છે પરંતુ એનો અર્થ એવો નથી કે એક બાબત નાની છે અને બીજી મોટી છે. દરેક માધ્યમના પોતાના પડકારો હોય છે અને મને દરેક માધ્યમમાં કામ કરવું ગમે છે.”

LEAVE A REPLY