(istockphoto.com)
એક સંકલિત પ્રયાસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI), ગુજરાત પોલીસ અને ઇન્ટરપોલ NCB-અબુ ધાબીએ રવિવાર, 1 સપ્ટેમ્બરે UAEમાં પકડાયેલા રૂ.2,273 કરોડથી વધુના સટ્ટાબાજી રેકેટના કથિત સૂત્રધરાને ગુજરાતમાં લાવવામાં આવ્યો હતો.
સીબીઆઇએ જણાવ્યું હતું કે આરોપી દિપકકુમાર ધીરજલાલ ઠક્કર વિરુદ્ધ ગુજરાત પોલીસે વિશ્વાસ ભંગ, છેતરપિંડી, ફોર્જરી ગુનાહિત કાવતરું, પુરાવાઓ ગુમ કરવા અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ અને જુગાર નિવારણ ધારા હેઠળના ગુનાઓ માટે વોન્ટેડ જાહેર કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય સટ્ટાબાજી રેકેટ ચલાવવા માટે અમદાવાદના માધવપુરા પોલીસ સ્ટેશનમાં 25 માર્ચ, 2023 દીપક ઠક્કર સામે ફરિયાદ દાખલ કરાઈ હતી. તે કથિત રીતે આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર ગુનાહિત સટ્ટાબાજી રેકેટનો મુખ્ય સૂત્રધાર છે. તે  ખાસ સોફ્ટવેર એપ્લીકેશન દ્વારા ઓપરેટ કરતો હતો અને આશરે રૂ.2,273 કરોડ ગુનાની આવકના હવાલા મારફત સોદા કર્યા હતા.
તપાસ એજન્સીએ ગુજરાત પોલીસની વિનંતીના આધારે 15 ડિસેમ્બર, 2023ના રોજ ઈન્ટરપોલ જનરલ સચિવાલયમાંથી ઠક્કર વિરુદ્ધ રેડ નોટિસ જારી કરી હતી. ગુજરાત પોલીસનું એક સુરક્ષા મિશન UAE ગયું હતું અને 1 સપ્ટેમ્બરના રોજ ઠક્કરને ગુજરાત લાવવામાં આવ્યો હતો. માધુપુરા સટ્ટા બેટિંગ કેસમાં અત્યાર સુધી 35 વધુ આરોપીઓ ઝડપાઇ ચૂક્યા છે. માધુપુરામાં પીસીબીએ દરોડો પાડીને ગુજરાતના સૌથી મોટા રૂપિયા બે હજાર કરોડના ક્રિકેટ સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડીંગના કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો.

LEAVE A REPLY