કેનેડાના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયેલા માર્ક કાર્નીનો જન્મ ૧૬ માર્ચ, ૧૯૬૫ના રોજ ઉત્તરપશ્ચિમ પ્રદેશોના ફોર્ટ સ્મિથમાં થયો હતો અને તેમનો ઉછેર એડમોન્ટન, આલ્બર્ટામાં થયો હતો. કાર્ની 2008થી 2013 સુધી બેંક ઓફ કેનેડા અને 2013થી 2020 સુધી બેંક ઓફ ઈંગ્લેન્ડનું નેતૃત્વ કર્યું હતું.
2008ની નાણાકીય કટોકટીના સામનો કરવામાં કેનેડાને મદદ કર્યા પછી તેઓ બેન્ક ઓફ ઇંગ્લેન્ડનું નેતૃત્વ કર્યું હતું. તેઓ બેંક ઓફ ઈંગ્લેન્ડના પ્રથમ નોન-બ્રિટિશ વડા બન્યાં હતાં. યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનના એક્ઝિટ પછી દેશના અર્થતંત્રનું સંચાલન કરવામાં તેમણે મોટી ભૂમિકા ભજવી હતી. બેન્ક ઓફ ઇંગ્લેન્ડની 1694માં સ્થાપના થઈ હતી.
2020માં તેમણે ક્લાઇમેટ એક્શન એન્ડ ફાઇનાન્સ માટે સંયુક્ત રાષ્ટ્રના ખાસ દૂત તરીકે સેવા આપવાનું ચાલુ કર્યું હતું. કાર્ની ગોલ્ડમેન સૅક્સના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ છે. તેમણે 2003માં બેંક ઓફ કેનેડાના ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત થયા તે પહેલાં લંડન, ટોક્યો, ન્યુ યોર્ક અને ટોરોન્ટોમાં 13 વર્ષ કામ કર્યું હતું. તેમને રાજકારણમાં કોઈ અનુભવ નથી.
કાર્ની કેનેડિયન, યુકે અને આઇરિશ નાગરિકતા ધરાવે છે. તેમની પત્ની ડાયના બ્રિટિશ મૂળની છે અને તેમને ચાર પુત્રીઓ છે.
