(ANI Photo)

ભુતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને વડા પ્રધાન શેરિંગ તોબગે સોમવારે સવારે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત માટે ભુતાનથી સીધા ગુજરાતના વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતાં. પ્રથમ દિવસે તેમણે એકતાનગર ખાતે ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.

એરપોર્ટ પર પરંપરાગત ગરબા નૃત્ય સહિત સાંસ્કૃતિક પ્રદર્શનો સાથે રાજા અને વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા એરપોર્ટ ખાતે ટૂંકા રોકાણ બાદ મહાનુભાવો સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા રવાના થયા હતાં. પ્રોટોકોલ પ્રધાન, મેયર, ભૂટાનમાં ભારતના રાજદૂત, EAM સંયુક્ત સચિવ, EAM મુખ્ય પ્રોટોકોલ અધિકારી, જિલ્લા કલેક્ટર, શહેર પોલીસ કમિશનર વગેરે દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભુતાનના રાજા અને વડાપ્રધાનને પ્રતિમાના નિર્માણની પૃષ્ઠભૂમિ, સરદાર પટેલની ભૂમિકા અને આઝાદી પછી દેશની એકતામાં તેમના યોગદાનની માહિતી આપવામાં આવી હતી. તે પછી તેમણે ટેન્ટ સિટીની મુલાકાત લીધી હતી, અને પછી સરદાર સરોવર ડેમ તરફ ગયા હતા.

વડોદરા અને નર્મદા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ માટે, વિદેશ મંત્રાલયના અધિકારીઓની હાજરીમાં બંને જિલ્લાના સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.

LEAVE A REPLY