ભારતના પ્રવાસે આવેલી સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમને રવિવારે બેંગલુરૂમાં પ્રથમ વન-ડેમાં ભારતે 143 રનના જંગી માર્જીનથી હરાવી વિજય હાંસલ કર્યો હતો. સાઉથ આફ્રિકાની ટીમ ભારતમાં ત્રણ વન-ડે, એક ટેસ્ટ મેચ અને ત્રણ ટી-20 રમવાની છે.
ભારતની સ્મૃતિ મંધાનાએ 127 બોલમાં 12 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 117 રન કરી ટીમના 8 વિકેટે 265 રનના જંગી સ્કોરનો પાયો નાખ્યો હતો. મંધાનાની આ છઠ્ઠી વન-ડે સદી હતી અને તે ભારતીય મહિલા ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવામાં મિતાલી રાજ (7 સદી) પછી બીજા ક્રમે છે.
ભારતની મહિલા ટામે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. સ્મૃતિ સિવાય ભારત તરફથી દીપ્તિ શર્માએ 37 અને પૂજા વસ્ત્રકારે અણનમ 31 કર્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 38મી ઓવરમાં ફક્ત 122 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી આશા શોભનાએ 21 રનમાં 4 અને દીપ્તિ શર્માએ 10 રનમાં બે વિકેટ લીધી હતી. સ્મૃતિને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાઈ હતી.