જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે બરફવર્ષાને પગલે ફુંકાઈ રહેલા બર્ફિલા પવનોથી ગુજરાત ઠંઠુગાર બન્યું હતું. રાજ્યમાં ગયા સપ્તાહે ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પછી ધુમ્મુસની ચાદર છવાઈ ગઈ હતી અને ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના સોમવાર સવારે 8:30 વાગ્યેના ડેટા મુજબ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.7 ડિગ્રી અને ગાંધીનગરમાં 10.6 ડિગ્રી નોંધાયું હતું. 6.5 ડિગ્રી સાથે કચ્છનું નલિયા સૌથી ઠંઠુ શહેર બન્યું હતું. રાજકોટમાં 11.0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
ઉત્તરપૂર્વીય દિશા તરફથી ફૂંકાઇ રહેલા ઠંડા બર્ફિલા પવનો ગુજરાત તરફ આવતા ગુજરાતીઓ ઠુંઠવાયા હતાં. રવિવારે ગુજરાતમાં સૌથી ઓછું 5.6 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું હતું. હિલ સ્ટેશન આબુમાં ઠંડીનો પારો -4 ડિગ્રી સુધી ગગડી જતા સહેલાણીઓ ધ્રૂજી ઊઠ્યા હતા. આ ઉપરાંત દિવસભર ઠંડો પવન ફૂંકાયો હતો અને લઘુતમ તાપમાન 15 ડિગ્રી નોંધાયુ હતું. હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની આગાહી કરી હતી.
હવામાન વિભાગે આગાહી કરી હતી કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. આ ઉપરાંત કોઈપણ જિલ્લામાં કોલ્ડવેવની શક્યતા નથી. ગુજરાત ઉપર અત્યાર સુધીમાં જે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી ઠંડા બર્ફિલા પવનો આવી રહ્યા છે, તેની દિશા આગામી દિવસોમાં બદલાઈને પૂર્વ તરફથી આવવાની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેવાની સંભાવના છે.