ભારતની અતિલોકપ્રિય બની ચૂકેલી ઈન્ડિયન પ્રિમિયર લીગ – આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટની પેટર્ન ઉપર ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે શરૂ કરેલી ધી હન્ડ્રેડ ટુર્નામેન્ટની ત્રણ ટીમોમાં ભારતીયો અને ભારતીય અમેરિકનોએ મહત્ત્વનો માલિકી હિસ્સો પ્રાપ્ત કર્યો છે. આ રીતે, ફક્ત ક્રિકેટની રમતમાં જ નહીં પણ, એ રમતના માલિકી હિસ્સામાં પણ ભારત અને ભારતીયોનું વર્ચસ્વ દિવસે દિવસે સતત વધી રહ્યું છે. અમેરિકામાં ક્રિકેટનો પગપેસારા અને તેની લોકપ્રિયતા પણ મહદ્ અંશે ભારતીયોને આભારી છે, તો હવે આ રમતની જન્મભૂમિ ઈંગ્લેન્ડમાં પણ ભારતીયો કાઠુ કાઢી રહ્યા છે.
ધી હન્ડ્રેડ ટુર્નામેન્ટના નામમાં જ સ્પર્ધાના પ્રકારનો ઉલ્લેખ સમાયેલો છે, તે મુજબ તેની મેચોમાં દરેક ઈનિંગ વધુમાં વધુ 100 બોલની હોય છે. આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લે છે અને આઈપીએલની માફક જ તેમાં પુરૂષો અને મહિલાઓની, એમ બન્ને ટીમોની અલગ અલગ સ્પર્ધાઓ યોજાય છે.
આ ધી હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં બે ટીમો તો લંડન શહેરની જ છે – લોર્ડ્ઝનું હોમ ગ્રાઉન્ડ “લંડન સ્પિરિટ” ટીમનું છે અને તેનો માલિકી હિસ્સો પ્રાપ્ત કરવાની સફળતા ક્રિકેટ ઈન્વેસ્ટર હોલ્ડિંગ્સ લિમિટેડને મળી છે. આ ફ્રેન્ચાઈઝમાં અમેરિકા સ્થિત ટોચની ટેકનોલોજી કંપનીઓના ભારતીય અમેરિકન વડા – ગૂગલના સુંદર પિચાઈ, માઈક્રોસોફટના સત્યા નડેલા, એડોબના શાંતનું નારાયણ તેના ભાગીદારો છે અને તે ગ્રુપનું નેતૃત્ત્વ અમેરિકાની પાલો આલ્ટો નામની સાયબર સીક્યોરીટી કંપનીના વડા તેમજ હાલમાં અમેરિકામાં સ્થાયી થયેલા પણ મૂળ બ્રિટિશ ભારતીય નિકેશ અરોરા સંભાળે છે.
કોન્સોર્ટિયમે £145 મિલિયનમાં આ ટીમનો માલિકી હિસ્સો પ્રાપ્ત કર્યો છે. ઈંગ્લેન્ડના અખબાર ધી ટેલિગ્રાફના જણાવ્યા મુજબ આ ફ્રેન્ચાઈઝનું મૂલ્ય £295 મિલિયન છે. ગયા વર્ષે “લંડન સ્પિરિટ” મહિલા ટીમ ચેમ્પિયન બની હતી.
તો લંડનની બીજી ટીમ, ઓવલ ઈનવિન્સિબલ્સમાં મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે માલિકી હિસ્સો પ્રાપ્ત કર્યો છે. આ ટીમ ગયા વર્ષે પુરૂષોની સ્પર્ધામાં ચેમ્પિયન બની હતી. રિલાયન્સે અંદાજે £60 મિલિયનમાં આ હિસ્સો પ્રાપ્ત કર્યો છે.
ત્રીજી ટીમ, “માન્ચેસ્ટર ઓરિજિનલ્સ”માં સંજીવ ગોયેન્કાના વડપણ હેઠળના આરપીએસજી ગ્રુપ અને આઈપીએલની લખનઉ સુપર જાયન્ટ્સ ટીમના માલિકોએ હિસ્સો ખરીદ્યો છે. એક ક્રિકેટ વેબસાઈટના અહેવાલ મુજબ સંજીવ ગોયેન્કા લંડનની એક ટીમની બોલીમાં સ્પર્ધામાં હતા, પણ તેમાં તેમને સફળતા મળી નહોતી, તો માન્ચેસ્ટર ઓરિજિનલ્સ માટે તેમની સામે આઈપીએલની જ એક અન્ય ટીમના માલિકો પણ સ્પર્ધામાં હતા, પણ ગોયેન્કાએ સૌથી વધુ બોલી લગાવીને હરીફોને મહાત કર્યા હતા.