ભારતના રાજવી વારસાના ભવ્ય રત્ન ગણાતા ‘ધ ગોલકોન્ડા બ્લૂ’ની પ્રથમવાર 14મેએ જિનિવામાં ક્રિસ્ટીઝ “મેગ્નિફિસન્ટ જ્વેલ્સ” ઓક્શનમાં હરાજી થશે. આ હીરો એક સમયે ઇન્દોર અને બરોડાના મહારાજાઓની શાન હતો.
પેરિસના પ્રખ્યાત ડિઝાઇનર JAR દ્વારા આકર્ષક આધુનિક વીંટીમાં લગાવવામાં આવેલ 23.24 કેરેટના આ તેજસ્વી વાદળી હીરાની અંદાજિત કિંમત 35થી 50 મિલિયન ડોલર (રૂ. 300-રૂ.430 કરોડ)ની વચ્ચે મળવાની ધારણા છે. ક્રિસ્ટીની કંપની 259 વર્ષ જૂની છે. આ કંપનીએ અગાઉ ઘણા પ્રખ્યાત ગોલકોંડા હીરાની હરાજી કરી છે. આમાં આર્કડ્યુક જોસેફ, પ્રિન્સી અને વિટ્ટેલ્સબેક જેવા હીરાનો સમાવેશ થાય છે.
ક્રિસ્ટીઝ ઇન્ટરનેશનલ જ્વેલરીના વડા રાહુલ કડકિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના શાહી વારસા, અસાધારણ રંગ અને અસાધારણ કદ સાથે ‘ધ ગોલકોન્ડા બ્લૂ’ ખરેખર વિશ્વના દુર્લભ વાદળી હીરાઓમાંનો એક છે. ક્રિસ્ટીના મતે ‘ધ ગોલકોન્ડા બ્લૂ’ એક સમયે ઇન્દોરના મહારાજા યશવંત રાવ હોલકર બીજાની માલિકીનો હતો.
આ હીરાનું નામ ગોલકોંડાની ખાણો પરથી રાખવામાં આવ્યું છે. આ ખાણો તેલંગાણામાં છે. પ્રાચીન સમયમાં વિશ્વના સૌથી કિંમતી હીરા અહીં મળી આવતાં હતાં.૧૯૪૭માં ભારતની આઝાદી પછી આ હીરા પ્રખ્યાત અમેરિકન ઝવેરી હેરી વિન્સ્ટનને વેચવામાં આવ્યો હતો અને તે પછી તે બરોડાના મહારાજા સુધી પહોંચ્યો હતો.
