દિલ્હીની એક કોર્ટે સોમવાર, 29 જુલાઇએ નર્મદા બચાવો આંદોલનના નેતા મેધા પાટકરને 23 વર્ષ જૂન બદનક્ષીના કેસમાં સ્થાનિક કોર્ટે ફટકારેલી પાંચ મહિનાની સાદી કેદની સજાને સસ્પેન્ડ કરી હતી. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેનાએ આ ફરિયાદ દાખલ કરેલી છે.પાટકર દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રાઘવ શર્માએ સજાને સ્થગિત કરી હતી અને ફરિયાદ પક્ષ (એલજી)ને નોટિસ પણ જારી કરી હતી. કોર્ટે પાટકરને 25,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા હતા.
અગાઉ પહેલી જુલાઇએ દિલ્હીની એક અદાલતે મેધા પાટકરને પાંચ મહિનાની સાદી કેદની સજા અને રૂ.10 લાખનો દંડ ફટકાર્યો હતો. સક્સેના ગુજરાતમાં એક એનજીઓનું નેતૃત્વ કરતા હતાં ત્યારે 23 વર્ષ પહેલા આ કેસ દાખલ કર્યો હતો. 24મેના રોજ કોર્ટે અવલોકન કર્યું હતું કે સક્સેનાને “કાયર” ગણાવતા અને હવાલા વ્યવહારોમાં તેમની સંડોવણીનો આરોપ મૂકતા પાટકરના નિવેદનો બદનક્ષીકારક છે. આવા નિવેદનો સક્સેના સામે નકારાત્મક છબી ઊભી કરે છે. આ ઉપરાંત ફરિયાદી ગુજરાતના લોકો અને તેમના સંસાધનોને વિદેશી હિતો માટે “ગીરો” રાખતા હોવાનો આરોપ તેમની પ્રામાણિકતા અને જાહેર સેવા પર સીધો હુમલો હતો.
પાટકર અને સક્સેના 2000થી કાનૂની લડાઈ લડી રહ્યાં છે. પાટકરે નર્મદા બચાવો આંદોલન (NBA) વિરુદ્ધ જાહેરાતો પ્રકાશિત કરવા બદલ તેની સામે દાવો માંડ્યો હતો. સક્સેના તે સમયે ‘કાઉન્સિલ ફોર સિવિલ લિબર્ટીઝ’ નામની અમદાવાદ સ્થિત એનજીઓનું નેતૃત્વ કરતા હતાં, તેમણે 2001માં પાટકર વિરુદ્ધ ટીવી ચેનલ પર અપમાનજનક ટિપ્પણી કરવા અને બદનક્ષીભર્યું પ્રેસ નિવેદન જારી કરવા બદલ બે કેસ પણ દાખલ કર્યા હતાં.