ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ ગુપ્તાએ સોમવાર, 17 ફેબ્રુઆરીએ NRIs અને માઇગ્રન્ટ વર્કર્સને રિમોટ વોટિંગનો હક આપવાની જોરદાર તરફેણ કરતાં જણાવ્યું હતું કે એનઆરઆઈને તેમના સ્થાનો પરથી મતદાન કરવાની સત્તા આપવામાં આપવાનો સમય થઈ ગયો છે.
65 વર્ષની વયે નિવૃત્તિ પહેલાં વિદાય સંબોધનમાં તેમણે કહ્યું હતું કે કરોડો સ્થળાંતરિત મતદારો મતદાન કરી શકે તે માટે રિમોટ વોટિંગ સિસ્ટમ અંગે સર્વસંમતિ સાધવાની જરૂર છે.
એનઆરઆઈને દેશની બહારથી મતદાન કરવાની મંજૂરી આપવા અંગેના એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે વિશ્વ વ્યવસ્થામાં ભારત તેનું યોગ્ય સ્થાન મેળવવાની આકાંક્ષા રાખી રહ્યું છે ત્યારે આપણે કોઇ મતદાર મતદાન વગર રહી ન જાય તે માટેની પ્રતિબદ્ધતા દર્શાવવાની જરૂર છે. તેથી આપણા બિન-નિવાસી ભારતીયોને મત આપવા માટે સક્ષમ કરવાનો આ યોગ્ય સમય છે. ચૂંટણીપંચે આ માટે સિસ્ટમ વિકસાવી છે અને અમલીકરણ માટે માત્ર કેન્દ્રની મંજૂરી બાકી છે.
વર્તમાન કાયદાઓ હેઠળ વિદેશમાં રહેતા ભારતીય નાગરિકો પોતાના દેશમાં મતદાન કરવા માટે પાત્ર છે, પરંતુ આમ કરવા માટે તેઓએ રૂબરુમાં હાજર રહેવું પડે છે. આનો અર્થ એવો થાય છે તે તેઓએ મતદાન કરવા માટે તેમણે નિયુક્ત મતદાન મથક પર આવવા માટે ભારતની મુસાફરી કરવી પડે છે. 2020થી ચૂંટણીપંચ વૈકલ્પિક સિસ્ટમની વિચારણા કરી રહી છે. આમાં પોસ્ટ દ્વારા, ભારતીય દૂતાવાસો અથવા કમિશનમાં અથવા ઓનલાઈન મતદાનનો સમાવેશ થાય છે, પરંતુ આ દરેક પગલાં પર રાજકીય પક્ષો વચ્ચે મતભેદ હોવાથી હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી.
કેટલાક અનુમાન મુજબ લગભગ એક લાખ NRI મતદાન કરવા માટે રજિસ્ટ્રર થયેલા છે. નોંધાયેલા લોકોમાંથી લગભગ 25,000 લોકો 2024ની લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા ભારત આવ્યા હતા.
