બોમ્બે હાઈકોર્ટે સોમવાર, 29 જુલાઇએ બાબા રામદેવની પતંજલિ આયુર્વેદને 2023ના વચગાળાના આદેશના કથિત ભંગ બદલ રૂ. 4 કરોડનો જંગી દંડ ફટકાર્યો હતો. મંગલમ ઓર્ગેનિક્સ લિમિટેડે દાખલ કરેલા ટ્રેડમાર્ક ઉલ્લંઘનના કેસમાં અગાઉ કોર્ટે પતંજલિને કપૂર પ્રોડક્ટ્સનું વેચાણ બંધ કરવા વચગાળાનો હુકમ ફરમાવ્યો હતો.
જસ્ટિસ આર આઈ ચાગલાની સિંગલ બેન્ચે નોંધ્યું હતું કે પતંજલિએ કોર્ટના આદેશનો “ઇરાદાપૂર્વક અને જાણીજોઈને” ભંગ કર્યો છે. પતંજલિનો કોર્ટના આદેશનો ભંગ કરવાનો ઈરાદો હતો, તેમાં કોઇ શંકા નથી. પતંજલિને બે અઠવાડિયામાં રૂ. 4 કરોડ જમા કરવાનો આદેશ આપતાં કોર્ટે જણાવ્યું હતું કે પંતજલિ બે સપ્તાહમાં આ રકમ જમા નહીં કરાવે તો તેના ડાયરેક્ટર રજનીશ મિશ્રાને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવશે.
મંગલમ ઓર્ગેનિક્સે કોર્ટના પ્રતિબંધ છતાં કપૂર પ્રોડક્ટ્સનું વેચાણ કરવા બદલ પતંજલિ સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહીની માંગણી કરી હતી. જોકે કોર્ટે આ અરજીનો નિકાલ કર્યો હતો.
હાઈકોર્ટે આ મહિનાની શરૂઆતમાં પણ પતંજલિને 50 લાખ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. ઓગસ્ટ 2023માં હાઈકોર્ટે એક વચગાળાના આદેશમાં પતંજલિને તેના કપૂરના ઉત્પાદનો વેચવા અથવા તેની જાહેરાત કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. મંગલમ ઓર્ગેનિક્સે તેની કપૂર પ્રોડક્ટ્સના કોપીરાઈટ ઉલ્લંઘનનો આરોપ લગાવી કંપની સામે દાવો માંડ્યો હતો.