બેન્ક ઓફ ઇંગ્લેન્ડને ચાર વર્ષ પછી પ્રથમ વખત વ્યાજદરમાં ગુરુવાર, પહેલી ઓગસ્ટ ઘટાડો કર્યો હતો. આની સાથે બ્રિટન વ્યાજદરમાં ઘટાડો કરનારા અગ્રણી પાંચ અર્થતંત્રની યાદીમાં સામેલ થયું હતું. ગવર્નર એન્ડ્રુ બેઈલીએ 5-4ની બહુમતીથી નિર્ણય કરીને વ્યાજદરને 5.25 ટકાથી ઘટાડી 5 ટકા કર્યા હતાં અને સાથે ભવિષ્યમાં સાવધ રહેવાનો સ્પષ્ટ સંકેત આપ્યો હતો.
કોવિડ-19 મહામારીની શરૂઆતમાં એટલે કે માર્ચ 2020 પછી સેન્ટ્રલ બેંકનો આ પ્રથમ રેટ કટ હતો. સેન્ટલ બેન્કના નિર્ણયથી આર્થિક વૃદ્ધિને વેગ આપવાના નવી સરકારના પ્રયાસોને પણ મદદ મળશે. દેશમાં મે મહિનામાં ફુગાવો બેન્કના 2 ટકાના ટાર્ગેટની રેન્જમાં રહ્યાં પછી આ મોટા નિર્ણય લેવામાં આવ્યો હતો. મોનેટરી પોલિસી કમિટિના 5 સભ્યોએ વ્યાજદરમાં ઘટાડાની તરફેણ કરી હતી, જ્યારે ચાર સભ્યોએ તેનો વિરોધ કર્યો હતો
બેઇલીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે BoE વ્યાજદરમાં શ્રેણીબદ્ધ ઘટાડો કરવાની પ્રતિબદ્ધતા આપતી નથી. ફુગાવો નીચો રહે તેની અમારે ખાતરી કરવી પડશે. વ્યાજદરમાં ખૂબ જ ઝડપથી અથવા વધુ પડતો ઘટાડો ન થાય તેની પણ કાળજી રાખવી પડશે.
રોઇટર્સના પોલમાં મોટાભાગના અર્થશાસ્ત્રીઓએ વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષા વ્યક્ત કરી હતી, જયારે ફાઇનાન્શિયલ માર્કેટે માત્ર 60 ટકા શક્યતા વ્યક્ત કરી હતી.
બેન્ક ઓફ ઇંગ્લેન્ડની જાહેરાતની સાથે અમેરિકાના ડોલર સામે સ્ટર્લિંગ ગબડી જુલાઇ પછીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો હતો અને બોન્ડની યીલ્ડમાં નજીવો ઘટાડો થયો હતો. 10 વર્ષના બોન્ડની યીલ્ડ માર્ચ પછીના સૌથી નીચા સ્તરે પહોંચી હતી.
બેઇલીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે BoE વ્યાજદરમાં ઘટાડો કરવામાં ભવિષ્યમાં સાવધ વલણ અપનાવશે, પરંતુ રોકાણકારો સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજદરમાં વધુ કાપ પર દાવ લગાવી રહ્યાં છે. 55 ટકા રોકાણકારો માને છે કે બીઓઇની સપ્ટેમ્બર બેઠકમાં વ્યાજદરમાં વધુ ઘટાડો થશે. આઈએનજીના અર્થશાસ્ત્રી જેમ્સ સ્મિથે જણાવ્યું હતું કે ફુગાવા અને વેજ ગ્રાથમાં વધુ સારા ન્યૂઝથી આપણે વર્ષના અંત સુધીમાં વધુ બે રેટકટની અપેક્ષા રાખી શકીએ છીએ. જૂનમાં BoEની મોનેટરી પોલિસી કમિટીએ દરોને 7-2ની બહુમતીથી જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો.