પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારત સરકારે 31 જુલાઇએ ગુજરાત સહિત છ રાજ્યોના વેસ્ટર્ન ઘાટના આશરે 56,800 ચોરસ કિલોમીટરના વિસ્તારને ઇકોલોજિકલી સેન્સિટિવ એરિયા (ESA) જાહેર કરવા માટેના નોટિફિકેશનનો નવો મુસદ્દો જારી કર્યો હતો. આ વિસ્તારમાં કેરળના ભૂસ્ખલનગ્રસ્ત વાયનાડ જિલ્લાના 13 ગામોનો સમાવેશ પણ થાય છે. તેમાં ગુજરાતના 449 ચોરસ કિલોમીટરના વેસ્ટર્ન ઘાટના એરિયાનો પણ સમાવેશ થાય છે. અહીં ઉલ્લેખનીય છે કે વૈશ્વિક જૈવવિવિધતાનું કેન્દ્ર ગણાતા વેસ્ટર્ન ઘાટને જુલાઈ 2012માં યુનેસ્કોએ વિશ્વ ધરોહર સ્થળ જાહેર કર્યું હતું.

કેરળ વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનમાં 300થી વધુ લોકોના મોત થયાના એક દિવસ પછી 31 જુલાઈએ આ નોટિફિકેશન જારી કરાયું હતું. કેરળ અને બીજા રાજ્યોના વૈજ્ઞાનિકોએ આ દુર્ઘટના માટે જંગલ વિસ્તારમાં ઘટાડો, સંવેદનશીલ ભૂપ્રદેશમાં ખાણકામ અને આબોહવા પરિવર્તન જેવા કારણોને જવાબદાર ગણાવ્યા છે.

કેન્દ્રના નોટિફિકેશનમાં ગુજરાતના 449 ચોરસ કિલોમીટર, મહારાષ્ટ્રના 17,340 ચોરસ કિલોમીટર, ગોવાના 1,461 ચોરસ કિલોમીટર, કર્ણાટકના 20,668 ચોરસ કિલોમીટર, તમિલનાડુના 6,914 ચોરસ કિલોમીટરનો સમાવેશ થાય છે. ડ્રાફ્ટ નોટિફિકેશનમાં આ વિસ્તારમાં માઇનિંગ, રેતી ખનન, થર્મલ પાવર પ્રોજેક્ટ, પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો પર પ્રતિબંધ આવશે.

 

 

LEAVE A REPLY