અમેરિકામાં પ્રેસિડેન્ટ પદ માટે યોજાનારી ચૂંટણી માટે ટેકનોલોજી ક્ષેત્રના પ્રતિષ્ઠિત બિલિયોનેર્સ રીપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં હોવા છતાં પણ ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસને આ ક્ષેત્રની મોટી કંપનીઓના કર્મચારીઓ દ્વારા માતબર દાન આપવામાં આવી રહ્યું હોવાનું ઓપનસીક્રેટના રીપોર્ટમાં જણાયું છે. આલ્ફાબેટ, એમેઝોન અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓના કર્મચારીઓએ હેરિસને મિલિયન્સ ડોલર્સનું દાન કર્યું છે, જેમાં આલ્ફાબેન્ટના કર્મચારીઓએ 2.16 મિલિયન ડોલર્સનું યોગદાન આપ્યું છે, જે ટ્રમ્પને મળેલા આવા દાન કરતાં ઘણું વધુ છે. જાણીતા ટેકનોલોજી બિલિયોનેર્સ- ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્ક અને એન્ડ્રીસ્સેન હોરોવિટ્ઝના સહ સ્થાપક માર્ક એન્ડ્રીસ્સેન અને બેન હોરોવિટ્ઝ ટ્રમ્પને સમર્થન જાહેર કરી ચૂક્યા છે અને તેમની આર્થિક નીતિઓની તરફેણમાં છે. જ્યારે રીડ હોફમેન અને માર્ક ક્યુબન જેવા મૂડીવાદીઓ કમલા હેરિસના સમર્થનમાં છે. પ્રેસિડેન્ટની ચૂંટણી સહિત ફેડરલ કેમ્પેઇન માટે કોર્પોરેટ દાન કાયદા દ્વારા પ્રતિબંધિત છે, પરંતુ કંપનીના કર્મચારીઓ ભંડોળ આપવા માટે સ્વંતત્ર છે. ઉદાહરણ તરીકે, એમેઝોન અને માઈક્રોસોફ્ટના કર્મચારીઓએ હેરિસને અનુક્રમે 1 મિલિયન ડોલર અને 1.1 મિલિયન ડોલરનું દાન આપ્યું હતું, જ્યારે ટ્રમ્પના કેમ્પેઇનને તેનાથી ઓછું ભંડોળ પ્રાપ્ત થયું હતું, તેમને એમેઝોનના કર્મચારીઓ પાસેથી 116,000 ડોલર અને માઇક્રોસોફ્ટના કર્મચારીઓ પાસેથી 88,000 ડોલર મળ્યા હતા.

LEAVE A REPLY