Representational image
ભારતની અગ્રણી આઇટી સર્વિસ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના નોર્થ અમેરિકા બિઝનેસના ચેરમેન સુરેશ મુથુસ્વામીએ આ મહિનાની શરૂઆતમાં રાજીનામું આપ્યું હતું. છેલ્લાં એક વર્ષમાં કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવની આ મોટી એક્ઝિટ છે. છેલ્લાં 26 વર્ષથી કંપનીમાં કામ કરતાં મુથુસ્વામી અમેરિકા અને કેનેડામાં આશરે 15 બિલિયન ડોલરનો બિઝનેસ સંભાળતા હતા.
TCSએ એપ્રિલ 2022માં મુથુસ્વામીને નોર્થ અમેરિકા રિજનના ચેરમેન તરીકે બઢતી આપી હતી.  તેમણે 9 ઓગસ્ટના રોજ તેમના છેલ્લા દિવસ સાથે નોટિસ પીરિયડ આપીને રાજીનામું આપ્યું હતું.
બે અઠવાડિયા પહેલા, મુથુસ્વામીએ લીન્ક્ડઇન પર પોસ્ટ કર્યું હતું “હું TCSમાં મારી કારકિર્દીના આ પ્રકરણને બંધ કરવાની તૈયારી કરી રહ્યો છુ. છેલ્લા 26 વર્ષોમાં કંપનીમાં મારી અવિશ્વસનીય સફર પર વિચારણા કરવા સમય કાઢવા માગું છું.” એક નિવેદનમાં TCSએ કહ્યું હતું “અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે સુરેશ મુથુસ્વામીએ કંપનીમાં 26 વર્ષની કારકિર્દી પછી TCS છોડવાનો નિર્ણય કર્યો છે. અમે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ.”
મુથુસ્વામીની ભૂમિકાઓ હવે નોર્થ અમેરિકા રિજનના પ્રેસિડન્ટ અમિત બજાજ સંભાળશે. બજાજ જ્યારથી ચાર્જ સંભાળ્યો ત્યારથી ક્લાયન્ટ ફેસિંગની ભૂમિકા ભજવી રહ્યાં છે.

LEAVE A REPLY