જાણીતી કોલ્ડ્રિંક કંપની- કોકા-કોલાએ ચેતવણી આપી છે કે, જો પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિદેશી એલ્યુમિનિયમ અને સ્ટીલની આયાત પર 25% ટેરિફ લાદશે તો તે અમેરિકામાં પ્લાસ્ટિક પેકેજિંગનો ઉપયોગ વધારશે. આ ટેરિફ વધવાથી એલ્યુમિનિયમના કેનની કિંમતમાં પણ વધારો થશે.
બીબીસીના રીપોર્ટ મુજબ, અમેરિકાના સ્થાનિક ઉદ્યોગોને સુરક્ષિત રાખવા માટે રજૂ કરાયેલ આ ટેરિફ કોકા-કોલાના ઉત્પાદનો સહિત તૈયાર ભોજન અને કોલ્ડ્રિંક્સના ભાવમાં વધારો કરી શકે છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ જેમ્સ ક્વિન્સીએ જણાવ્યું હતું કે, તેમની કંપની કેનેડાથી એલ્યુમિનિયમની આયાત કરે છે અને કોઈપણ સંભવિત ભાવ વધારાને નિવારવા માટે વિકલ્પો શોધી રહી છે, જેના માટે પ્લાસ્ટિકની બોટલના ઉપયોગ અંગે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.
જોકે, કોકા-કોલાની સમગ્ર કામગીરી પર ટેરિફની સંભવિત અસર ઓછી થશે તેવું ક્વિન્સીનું અનુમાન હતું. તેમણે કહ્યું હતું કે, પેકેજિંગ ખર્ચ કંપનીના કુલ ખર્ચનો માત્ર એક નાનો હિસ્સો છે. તે મહત્ત્વપૂર્ણ છે, પરંતુ તેનાથી મલ્ટીબિલિયન ડોલરના બિઝનેસમાં મોટો ફેરફાર થશે નહીં.”
કોકા-કોલા કંપની તાજેતરના વર્ષોમાં તેના સ્થિર લક્ષ્યાંકો માટે એલ્યુમિનિયમ કેનમાં વેચાતા કોલ્ડ્રિંક્સના પ્રમાણમાં વધારો કરી રહી છે તે પછી આ ટેરીફમાં વધારો થઇ રહ્યો છે. પર્યાવરણવાદીઓ કંપનીની ટીકા કરી રહ્યા છે, કારણ કે, તેને સતત છ વર્ષથી “ટોચના વૈશ્વિક પ્લાસ્ટિક પ્રદૂષક” તરીકે જાહેર કરવામાં આવી છે.
2023માં, કોકા-કોલાએ તેના કોલ્ડ્રિંક્સમાંથી ફક્ત 26 ટકાનું એલ્યુમિનિયમ અને સ્ટીલના કન્ટેનરમાં વેચાણ કર્યું હતું, જ્યારે તેની 47.7 ટકા પ્રોડક્ટ્સનું પ્લાસ્ટિકની બોટલમાં વેચાણ થયું હતું.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)