અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના દેશો સાથે ટેરિફ વોર ચાલુ કર્યા પછી વિશ્વભરના અર્થતંત્રમાં ઉથલપાથલ મચી હતી. ટેરિફ વોર વધુ વકરવાની ધારણા અને આર્થિક મંદીની ધારણા વચ્ચે વિશ્વભરના શેરબજારોમાં ભારે ધોવાણ થયું હતું. અમેરિકાના શેરબજારોને પણ ગંભીર ફટકો પડ્યો હતો. અમેરિકાના શેરબજારમાં ગુરુવાર અને શુક્રવારે મોટો કડાકો બોલાઈ જતાં બે દેશમાં માર્કેટકેપ (બજારમૂલ્ય)માં આશરે 6.6 ટ્રિલિયન ડોલરનું અભૂતપૂર્વ ધોવાણ થયું હતું.યુરોપના શેરબજારો પણ બે દિવસમાં આશરે 5 ટકા સુધી ઘટ્યા હતાં.
અમેરિકાના શેરબજારોમાં થયેલું ધોવાણ ભારતના સમગ્ર શેરબજારના કુલ માર્કેટકેપ જેટલું હતું. ભારતના ભારતીય શેરબજારનું ડોલર સંદર્ભમાં શુક્રવારે માર્કેટ કેપિટલાઇઝેશન 4.7 ટ્રિલિયન ડોલર રહ્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરીમાં સત્તા પર આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં ન્યૂયોર્ક સ્થિત શેરબજારનું માર્કેટ કેપ 9 ટ્રિલિયન ડોલર ઘટી 43 ટ્રિલિયન ડોલરે આવી ગયું છે.
અમેરિકન શેરબજારોની સાથે ક્રૂડ ઓઇલ અને ચાંદીના ભાવમાં પણ જોરદાર ઘટાડો થયો હતો. બ્રેન્ટ ક્રૂડમાં 6.5 ટકાનો તો ચાંદીમાં 8.5 ટકાનો કડાકો નોંધાયો હતો. કોપર, ઝીન્ક, એલ્યુમિનિયમના ભાવમાં પણ સપ્તાહમાં 10 ટકાથી વધુનો કડાકો હતો.
અમેરિકાના શેરબજારમાં ભારે ધોવાણને પગલે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિઆકુને અમેરિકાને ટોણો મારતાં જણાવ્યું હતું કે, બજારે પ્રતિક્રિયા આપી દીધી છે . અમેરિકા દ્વારા વિશ્વના દેશો સામે શરૂ કરાયેલું વેપાર અને ટેરિફ યુદ્ધ બિનજરૂરી અને અન્યાયી છે.
ઇલોન મસ્કની મૂડીમાં $15.7 બિલિયનનું ધોવાણ
અમેરિકાના શેરબજાર તુટતાં ટોચના 5 ઉદ્યોગપતિઓની મૂડીમાં લગભગ 55 અબજ ડોલરનું ધોવાણ થયું હતું. ફોર્બ્સની યાદી અનુસાર ટોચના શ્રીમંતોની મૂડીમાં છેલ્લા બે દિવસમાં 208 અબજ ડોલર ધોવાઈ ગયા છે. શુક્રવારે આવેલા મોટા કડાકામાં સૌથી વધુ ધોવાણ એલન મસ્કને 15.7 અબજ ડોલરનું થયું હતું અને કુલ નેટવર્થ ઘટીને રૂ.362.5 અબજ ડોલર રહી હતી. 2025ના વર્ષમાં ટોચથી મસ્કની મૂડીમાં લગભગ 100 અબજ ડોલરનો ઘટાડો થયો છે. ત્યારબાદ ઓરેકલના લેરી લિશનની 10.8 અબજ ડોલર, વોરેન બફેટની 10.7 અબજ ડોલર, માર્ક ઝુકરબર્ગની 9.2 અબજ ડોલર અને જેફ બિઝોસની 6.7 અબજ ડોલરની મૂડી ધોવાઈ હતી.
