એક વેપારીની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં ધરપકડ કરાયેલા 42 વર્ષીય તાંત્રિકનું રવિવારે અમદાવાદમાં પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. તાંત્રિકે 12 લોકોને કેમિકલયુક્ત પીણું આપીને મારી નાંખ્યા હોવાનો પણ તેના પર આરોપ છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સરખેજ પોલીસે 3 ડિસેમ્બરે સવારે 1 વાગ્યાની આસપાસ તાંત્રિક નવલસિંહ ચાવડાની ધરપકડ કરી હતી. પોલીસે ચાવડાના 10 ડિસેમ્બરે સુધી રિમાન્ડ મેળવ્યા હતાં. પોલીસ તાંત્રિક વિધિઓ અને માનવ બલિની સંભવિત સંડોવણીની વધુ તપાસ કરવા માગતી હતી. જોકે રવિવારે સવારે 10 વાગ્યાની આસપાસ ચાવડા બીમાર પડ્યો હતો અને તેને એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ 12 હત્યાની કબૂલાત કરી હતી અને તમામ મૃત્યુ સોડિયમ નાઈટ્રાઈટના સેવનથી થયાં હતાં.
ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ (ડીસીપી) શિવમ વર્માએ જણાવ્યું હતું કે આરોપીએ કબૂલાત કરી છે કે તેને 12 હત્યાઓ કરી હતી. આ હત્યાઓ તાંત્રિક વિધિ દરમિયાન પાણીમાં સોડિયમ નાઇટ્રાઇટ પીવડાવીને કરાઈ હતી. ચાવડાએ અમદાવાદમાં એક વ્યક્તિની, સુરેન્દ્રનગરમાં છ, તેના પરિવારના ત્રણ સભ્યો સહિત, રાજકોટમાં ત્રણ અને વાંકાનેર અને અંજારમાં એક-એક વ્યક્તિની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. તપાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે આરોપીએ લગભગ 14 વર્ષ પહેલાં તેની દાદી અને એક વર્ષ પહેલાં તેની માતા અને કાકાની પણ આવી જ રીતે હત્યા કરી હતી.