બ્રિટનના પ્રથમ પાઘડીધારી શીખ સાંસદ તનમનજીત સિંહ ઢેસીને નવી સંસદની ડીફેન્સ કમિટીના અધ્યક્ષ તરીકે તા. 11ના રોજ ચૂંટવામાં આવ્યા હતા. સ્લાઉના લેબર સાંસદને 563 માંથી 320 માન્ય મત મળ્યા હતા જ્યારે તેમના વિરોધી અને સાથી લેબર સાંસદ ડેરેક ટ્વિગને 243 મત મળ્યા હતા.

ઢેસીએ કહ્યું હતું કે “ડિફેન્સ કમિટીના અધ્યક્ષ તરીકે ચૂંટાઈને મને આનંદ થયો છે. હું સમગ્ર ગૃહમાં મારા સાથીદારોનો મારામાં વિશ્વાસ મૂકવા બદલ આભાર માનું છું.  “આપણે દેશ અને વિદેશમાં જે ધમકીઓનો સામનો કરીએ છીએ તે જોતાં હું એ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશ કે આપણું રાષ્ટ્ર આ પડકારોનો સામનો કરી શકે. હું આપણી સુરક્ષા અને સુરક્ષામાં અમૂલ્ય યોગદાન આપનાર સશસ્ત્ર દળોના જવાનો અને નિવૃત્ત સૈનિકો માટે સંસદમાં એક અવાજ બનીશ.”

હાલમાં યુકેમાં ટૂંકી મુલાકાતે આવેલા બે વખતના ભૂતપૂર્વ ભારતીય સાંસદ તરલોચન સિંહે જણાવ્યું હતું કે, “આર્મી, વાયુસેના અને નૌકાદળ સેવાઓ સાથે કામ કરતી પ્રતિષ્ઠિત સંસદીય સમિતિના અધ્યક્ષ બનવું તે અભિનંદનીય છે. હું સંસદીય સમિતિઓનું મહત્વ જાણું છું અને યુકેની સરકારે ઢેસીની ક્ષમતામાં વિશ્વાસ દર્શાવ્યો છે.’’

ઢેસી આ હોદ્વો સંભાળનારા પ્રથમ અશ્વેત, એશિયન અને લઘુમતી વંશીય સાંસદ બન્યા છે. તેઓ 2020માં આ કમિટીના સભ્ય બનનાર બીજા BAME સંસદ સભ્ય હતા.

ઢેસી છેલ્લા સાત વર્ષથી સ્લાઉના સાસંદ તરીકે સેવા આપી રહ્યા છે અને તાજેતરમાં સામાન્ય ચૂંટણીમાં ત્રીજી વખત ચૂંટાયા હતા.

LEAVE A REPLY