સ્વિત્ઝર્લેન્ડમાં મહિલાઓના ચહેરાને જાહેરમાં ઢાંકવા પરનો વિવાદાસ્પદ પ્રતિબંધ આવતા વર્ષની શરૂઆતથી જ અમલમાં મુકાશે, જે “બુરખા પ્રતિબંધ” તરીકે ઓળખાય છે. સમાચાર એજન્સી-રોયટર્સે સરકારના નિવેદનને ટાંકીને જણાવ્યા મુજબ, ફેડરલ કાઉન્સિલે જાહેરાત કરી હતી કે, પ્રતિબંધની શરૂઆતની તારીખ 1 જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે, અને આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારાઓને 1,000 સ્વિસ ફ્રાંક (લગભગ 1,144 ડોલર) સુધીના દંડ ભરવો પડી શકે છે.
સ્વિત્ઝર્લેન્ડમાં 2021ના લેવાયેલા જનમતમાં પાતળી બહુમતી પસાર થયેલા આ નિયમની મુસ્લિમ સંગઠનોએ ટીકા કરી હતી. આવા પ્રતિબંધનો મુદ્દો એ જ ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો જેમણે 2009માં દેશમાં નવા મિનારાઓના નિર્માણ પર પ્રતિબંધ મૂક્યો હતો.
રોયટર્સના જણાવ્યા પ્રમાણે, સ્વિસ સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, ચહેરો ઢાંકવા પરનો પ્રતિબંધ વિમાન અથવા રાજદ્વારી અને કોન્સ્યુલર ઓફિસોમાં લાગુ થશે નહીં. આ ઉપરાંત ધાર્મિક અને અન્ય પવિત્ર સ્થળોએ ચહેરો ઢાંકવાની મંજૂરી આપવામાં આવશે. સરકારના જણાવ્યા મુજબ, આરોગ્ય અને સલામતીના હેતુસર, પરંપરાગત રિવાજો માટે અથવા હવામાનની સ્થિતિને કારણે ચહેરાને ઢાંકવાની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત તેમને કળા રજૂ કરવા અથવા મનોરંજન અને જાહેરાત હેતુઓ માટે પણ મંજૂરી આપવામાં આવશે.
સ્વિત્ઝર્લેન્ડમાં જુજ મહિલાઓ બુરખાની જેમ સંપૂર્ણ ચહેરો ઢાંકે છે, જે સામાન્ય રીતે અફઘાનિસ્તાન સાથે સંકળાયેલી છે.
ગત વર્ષે સપ્ટેમ્બરમાં, સ્વિત્ઝર્લેન્ડની સંસદના નીચલા ગૃહે કેટલીક મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા બુરખા પર પ્રતિબંધ લાદવા માટે મતદાન કર્યું હતું. નેશનલ કાઉન્સિલે 151 વિરુદ્ધ 29 મત સાથે આ કાયદાને મંજૂરી આપી હતી, જેને અગાઉ ઉપલા ગૃહ દ્વારા સમર્થિત કાર્યવાહીને અંતિમ મંજૂરી આપી હતી.