ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ કેર મચાવી રહ્યો છે. રાજ્યમાં આ ખતરનાક વાયરસથી 21 બાળકોના મોત થયા હોવાની આશંકા છે. વાયરસના કુલ 35 શંકાસ્પદ કેસ નોંધાયા હતાં. 17 જુલાઈએ આરોગ્ય વિભાગના અધિકારીએ પુણે સ્થિત વાઇરોલોજી ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટને ટાંકીને જણાવ્યું હતું કે ગુજરાતમાં ચાર વર્ષની બાળકીનું મૃત્યુ ચાંદીપુરા વાઇરસને કારણે થયું હતું. આમ ચાંદીપુરના વાયરસને કારણે આ પ્રથમ કન્ફર્મ મોત હતું. સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેડા, મહેસાણા, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, જામનગર અને મોરબી જિલ્લાથી ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ નોંધાયા છે.
કુલ 14 બાળકોના આ વાયરસથી મોત થયા હોવાની આશંકા છે. આ બાળકોના સ્વાબ સેમ્પલ પૂણે સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી (NIV) મોકલવામાં આવ્યા છે. તેમના રીપોર્ટ આવ્યા પછી પુષ્ટી થશે કે તેમના મોત ચાંદીપુરા વાયરસથી થયા છે કે નહીં.
સાબરકાંઠાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) રાજ સુતરિયાએ જણાવ્યું હતું કે “અરવલ્લી જિલ્લાના મોટા કંથારીયા ગામની ચાર વર્ષની બાળકીના સેમ્પ ચાંદીપુરા પોઝિટિવ આવ્યાં હતા. સાબરકાંઠા જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા અન્ય ત્રણ દર્દીઓના સેમ્પલ નેગેટિવ આવ્યા હતાં.
ચાંદીપુરા વાઇરસમાં તાવ આવે છે તથા ફલૂ જેવા લક્ષણો અને તીવ્ર એન્સેફાલીટીસ (માથાનો દુઃખાવો) જોવા મળે છે. તે મચ્છર, બગાઇ અને માટીની માખીઓ દ્વારા ફેલાય છે. જો તેની તાકીદે સારવાર કરવામાં ન આવે તો મોત થઈ શકે છે. તેનો મૃત્યુદર 75% સુધી છે. આ ચેપ 9 મહિનાથી 14 વર્ષની વયના બાળકોમાં જોવા મળે છે. ચાંદીપુરા વાયરસ ચેપી નથી. જોકે અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન દેખરેખ હાથ ધરવામાં આવી છે. સરકારે 4,487 ઘરોમાં 18,646 વ્યક્તિઓની તપાસ કરી છે. ચાંદીપુરા કોઈ નવો વાયરસ નથી, પહેલો કેસ વર્ષ 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરામાં નોંધાયો હતો. આ ચેપ સામાન્ય રીતે વરસાદની મોસમમાં જોવા મળે છે.