ફાઇલ ફોટો (ANI Photo)
સમાજમાં અનેક દંપત્તીઓ આધુનિક મેડિકલ સાયન્સ- સરોગસી દ્વારા માતા-પિતા બની રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ વલણ બોલીવૂડમાં પણ જોવા મળ્યું છે. બોલીવૂડમાં પણ ઘણા એવા ફિલ્મકારો છે જેમણે સરોગસીથી બાળક પ્રાપ્ત કર્યું હોય. અહીં આ વિજ્ઞાનનો લાભ લેનારા ફિલ્મકારોની વિગતો રજૂ કરવામાં આવી છે.
એકતા કપૂર
જાણીતી ટીવી સીરિયલ્સ અને ફિલ્મોનું નિર્માણ કરનાર એકતા કપૂર 2019માં સરોગસીની મદદથી પુત્રની માતા બની હતી. તેણે આ બાળકનું નામ ‘રવિ કપૂર’ રાખ્યું છે. તેણે આ નામ પોતાના પિતા જીતેન્દ્ર પરથી રાખ્યું હતું, કારણ કે જીતેન્દ્રનું મૂળ નામ રવિ હતું. ફિલ્મોમાં આવ્યા પછી તેમણે પોતાનું નામ બદલ્યું હતું. એકતા કપૂર હજુ અપરિણીત જ છે અને સિંગલ મધર તરીકેની ભૂમિકા ભજવી રહી છે.
પ્રિયંકા ચોપરા-નિક જોનાસ
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે સંતાન મેળવવા માટે સરોગસીનો માર્ગ પસંદ કર્યો હતો. 15 જાન્યુઆરી, 2022ના રોજ તેમને ત્યાં 27 અઠવાડિયામાં જ જન્મેલી પ્રી-મેચ્યોર બેબીનો જન્મ થયો હતો, જેનું નામ તેમણે ‘માલતી મેરી ચોપરા જોનાસ’ રાખ્યું હતું.
પ્રીટિ ઝિન્ટા-જીન
પ્રીટિ ઝિન્ટાએ નવેમ્બર, 2021માં સોશિયલ મીડિયા દ્વારા જાહેર કર્યું હતું કે તે અને તેમના પતિ ‘જીન ગુડઇનફ’ સરોગસીની મદદથી બે સંતાન જય અને જીયાનાં માતા-પિતા બન્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્રીટિ ઝિન્ટાએ 2016માં પોતાના અમેરિકન બોયફ્રેન્ડ જીન ગુડઇનફ સાથે લગ્ન કર્યાં હતાં.
શિલ્પા શેટ્ટી-રાજ કુંદરા
15 ફેબ્રુઆરી, 2020ના રોજ શિલ્પા શેટ્ટી-રાજ કુંદરાના ઘરે બીજા સંતાન સમીશાનો જન્મ થયો હતો. સરોગસીથી જન્મેલા આ બાળકથી શિલ્પા શેટ્ટીનો પરિવાર પરિપૂર્ણ થયો હતો. શિલ્પાને અગાઉ વિયાન નામનો દીકરો છે. સમીશાનો જન્મ થયો ત્યારે તે સાત વર્ષનો હતો.
કરણ જોહર
જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર કરણ જોહર સિંગલ ફાધર છે. 7 ફેબ્રુઆરી, 2017ના રોજ કરણ જોહર સરોગસીના માધ્યમથી ટ્વીન્સ રુહી જોહર અને યશ જોહરના પિતા બન્યા હતા.
લિસા રે-જેસન
લિસા રે અને તેમના પતિ જેસન દેહની જૂન 2018માં જોડિયા દીકરીઓ સૂફી અને સીલેલાનાં માતા-પિતા બન્યાં હતાં.
સની લિયોની-ડેનિયલ વેબર
બહુચર્ચિત અભિનેત્રી સની લિયોની અને તેના પતિ ડેનિયલ વેબરે જૂન 2017માં પોતાનું પ્રથમ બાળક નિશા કૌર વેબરને તાલૂરથી દત્તક લીધું હતું. ત્યાર પછીના વર્ષની શરૂઆતમાં તેમણે જાહેરાત કરી હતી કે, તેમને સરોગસીના માધ્યમથી બીજા બે સંતાન અસરસિંહ વેબર અને નોઐસિંહ વેબરનો જન્મ થયો હતો.
શ્રેયસ-દીપ્તિ તલપડે
લગ્નના અંદાજે 14 વર્ષ પછી શ્રેયસ તલપડે અને તેમની પત્ની દીપ્તિ તલપડેએ સરોગસી દ્વારા સંતાન મેળવવાનું નક્કી કર્યું હતું. 7 મે, 2018ના રોજ તેમને ત્યાં આધ્યાનો જન્મ થયો હતો.
તુષાર કપૂર
એકતા કપૂરનો ભાઇ અને ફિલ્મ અભિનેતા તુષાર કપૂર સરોગસી દ્વારા પિતા બન્યો હતો. તે જૂન, 2016માં લક્ષ્યનો પિતા બન્યો હતો.
શાહરુખ ખાન-ગૌરી ખાન
બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાને 2013માં સરોગસી દ્વારા પુત્ર ‘અબરામ’ના જન્મની જાહેરાત કરી હતી.
સોહેલ ખાન-સીમા
સલમાન ખાનના નાના ભાઇ અને અભિનેતા સોહેલ ખાન અને તેની પત્ની સીમા ખાનનો અગાઉથી એક પુત્ર છે, તેનું નામ નિર્વાણ છે. તે જ્યારે 10 વર્ષનો થયો ત્યારે તેમને ત્યાં જૂન-2011માં બીજા પુત્ર યોહાનનો સરોગસી દ્વારા જન્મ થયો હતો. જોકે, 2022માં સોહેલ અને સીમાએ છૂટાછેડા લીધા હતા.
આમિર ખાન-કિરણ રાવ
આમિર ખાનની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવને ગર્ભપાત થઇ ગયો હોવાથી તેમના લગ્નજીવનની શરૂઆતમાં જ તેમને ગર્ભાશય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમણે સરોગસીનો વિકલ્પ પસંદ કરવાનું નક્કી કર્યું હતું. ત્યાર પછી તેમના પુત્ર આઝાદનો જન્મ ડિસેમ્બર 2011માં થયો હતો. જોકે, અગાઉ આમિર ખાન, ભૂતપૂર્વ પત્ની રીમા દ્વારા જુનૈદ અને ઇરાનો પિતા બન્યો હતો.

LEAVE A REPLY