સુરતના મોટા વરાછા વિસ્તારના ધર્મેશ કથીરીયા નામના એક યુવાનની કેનેડાના ઓન્ટારિયોમાં ગત શુક્રવારે, 4 એપ્રિલના રોજ ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. ધર્મેશની હત્યા તેના પાડોશીએ જ કરી હોવાનું અને આ ઘટના હેટ ક્રાઇમની હોવાનું જાણવા મળ્યું છે.
ધર્મેશ તેની પત્ની રવિના સાથે રહેતો હતો અને શુક્રવારના દિવસે પત્ની સાથે મકાનની પાછળના ભાગમાં કોમન વોશિંગ મશીનમાં કપડાં ધોઇ રહ્યો હતો ત્યારે તેના પાડોશીએ તેના પર અચાનક ચાકુ વડે હુમલો કરી દીધો હતો. હુમલાખોરે રવિના પર હુમલો કરવાની પણ કોશિશ કરી હતી. ધર્મેશે રવિનાને બચાવવાની કોશિશ કરતાં હુમલાખોરે તેની પર ચાકુના સંખ્યાબંધ વાર કર્યા હતા. ધર્મેશ લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઇ ગયો હતો. ત્યારબાદ હુમલાખોર નાસી ગયો હતો. ધર્મેશને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો પણ તેનો બચાવી શકાયો ન હતો. પોલીસે હુમલાખોરની ધરપકડ કરી હતી.
ધર્મેશ મૂળ પાલિતાણાના નોંઘણવદર ગામનો રહેવાસી હતો. તેનો પરિવાર સુરતમાં સ્થાયી થયો હતો. પાંચ વર્ષ અગાઉ તે સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો અને પછી પીઆર મેળવીને ઓન્ટારિયોમાં સ્થાયી થયો હતો. ત્યાં ધર્મેશે એક નાનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર ખોલ્યો હતો. ત્યારબાદ તેણે સુરત આવીને રવિના સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ રવિના પણ તેની સાથે કેનેડા ગઇ હતી.
કેનેડા ખાતેના ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયામાં ધર્મેશની હત્યા અંગે દુખની લાગણી વ્યક્ત કરી હતી અને તેના પરિવારને તમામ મદદ પહોંચાડવાની ખાતરી આપી હતી.
