ભારતની સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશના સંભલમાં આવેલા મુઘલ-યુગની જામા મસ્જિદ અંગે યથાવત સ્થિતિ જાળવી રાખવાનો આદેશ છે. આ મસ્જિદ હરિહર મંદિર હોવાનો હિન્દુઓ દાવો કરી રહ્યાં છે અને હાલમાં તેનો કોર્ટમાં કેસ ચાલે છે.
યથાવત્ સ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપીને સુપ્રીમ કોર્ટે જામા મસ્જિદ પાસેના “ખાનગી કૂવા” અંગે કોઇ પગલાં ન લેવા માટે ઉત્તરપ્રદેશ સત્તાવાળાઓ, ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ (ASI) અને અન્યોને તાકીદ કરી હતી. આનો અર્થ એવો થાય છે કે આ કૂવા પર પૂજા અર્ચના કરી શકાશે નહીં. જોકે સુપ્રીમ કોર્ટે આ વિવાદિત કુવાને ખાનગી કૂવો ગણાવ્યો છે.
સંભલની શાહી જામા મસ્જિદની મેનેજમેન્ટ કમિટીની અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI), સંભલ જિલ્લા મેજિસ્ટ્રેટ અને હિન્દુ પક્ષના ખાનગી વ્યક્તિને નોટિસ આપી હતી, જેનો 21 ફેબ્રુઆરીએ જવાબ આપવાનો રહેશે.
સુપ્રીમ કોર્ટે બે અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો પણ યુપી સરકારને આદેશ આપ્યો હતો. એક નવી અરજીમાં મસ્જિદ સમિતિએ જણાવ્યું હતું કે સંભલ જિલ્લા વહીવટીતંત્ર શહેરમાં જૂના મંદિરો અને કુવાઓને પુનર્જીવિત કરવા માટે એક કથિત અભિયાન ચલાવી રહ્યું છે, અહેવાલો દર્શાવે છે કે ઓછામાં ઓછા 32 જૂના મંદિરોને પુનર્જીવિત કરવામાં આવ્યા છે તથા જાહેર ઉપયોગ અને પૂજા માટે માટે 19 કૂવાઓની ઓળખ કરવામાં આવી છે.