ગુરુવારે નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટમાં NEET UG 2024માં કથિત ગેરરીતિઓ અંગે સુનાવણી ચાલી રહી ત્યારે વિદ્યાર્થીઓ કોર્ટની બહાર એકઠા થયા હતા. (ANI Photo/Ritik Jain)

મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UGમાં ગેરરીતિ અને પેપરલીકના કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને 20 જુલાઈના બપોરે 12 વાગ્યા સુધીમાં વિવાદાસ્પદ NEET-UG 2024નું કેન્દ્રવાર અને શહેરવાર ધોરણે રિઝલ્ટ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે આ આદેશ આપતાં જણાવ્યું હતું કે તે જાણવા માગે છે કે કથિત કલંકિત સેન્ટરોના વિદ્યાર્થીઓએ અન્ય સેન્ટરો કરતાં વધુ માર્કસ મેળવ્યાં છે કે નહીં. સુપ્રીમ કોર્ટ આ મામલાની વધુ સુનાવણી 22 જુલાઈ હાથ ધરશે. કોર્ટમાં પરીક્ષાને રદ કરવાની, નવેસરથી પરીક્ષા લેવાની તથા કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરવાની માગણી કરતી સંખ્યાબંધ અરજીઓ થઈ છે.

સમગ્ર પરીક્ષા રદ કરીને નવેસરથી પરીક્ષા લેવાના મુદ્દે સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે પરીક્ષા નવેસરથી યોજવાનો કોઈપણ આદેશ એવા નક્કર નિષ્કર્ષ પર હોવો જોઈએ કે કથિત પેપર લીક “સિસ્ટેમેટિક” હતું અને સમગ્ર પ્રક્રિયાની પવિત્રતાને અસર થઈ હતી.

ખંડપીઠે નોંધ્યું હતું કે અરજદારોના વકીલે રજૂઆત કરી છે કે જો NEET-UG 2024 પરીક્ષાનું પરિણામ NTAની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવે તો તે યોગ્ય રહેશે જેથી સેન્ટરવાઇઝ ધોરણે ઉમેદવારો દ્વારા મેળવેલા માર્કસ અંગે પારદર્શિતા લાવી શકાય.

સુનાવણીની શરૂઆતમાં બેન્ચે કહ્યું હતું તેને અન્ય કેસોની સરખામણીમાં આ અરજીઓ પર સુનાવણીને પ્રાથમિકતા આપી છે કારણ કે તેમાં ઘણી સામાજિક અસર રહેલી છે અને લાખો વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. કેટલાંક અરજદારો વતી સિનિયર એડવોકેટ નરેન્દ્ર હુડ્ડાએ સિસ્ટેમેટિક નિષ્ફળતા હોવાનો દાવો કરી પરીક્ષા રદ કરવાની જોરદાર માંગણી કરી હતી, જોકે કોર્ટે જણાવ્યું હતું કે તમારે (અરજીદારો) અમને પ્રથમ દ્રષ્ટીએ બતાવવું પડશે કે પેપર લીક સિસ્ટેમેટિક છે અને સમગ્ર પરીક્ષાની પવિત્રતાને અસર થઈ છે. પ્રથમ દૃષ્ટિએ એવું જણાય છે કે પ્રશ્નપત્ર લીક માત્ર પટના અને હજારીબાગ પૂરતું જ સીમિત હતું અને ગુજરાતના ગોધરામાં આવું કંઈ બન્યું હોવાનું કહી શકાય નહીં. કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રશ્નપત્રો લીક થયા નથી.

LEAVE A REPLY