સુપ્રીમ કોર્ટે ગુરુવારે સહારા જૂથને 15 દિવસમાં અલગ એસ્ક્રો ખાતામાં રૂ.1,000 કરોડ જમા કરાવવાનો આદેશ આપ્યો હતો અને તેને મુંબઈમાં વર્સોવા ખાતે તેની જમીન વિકસાવવા માટે સંયુક્ત સાહસ બનાવવાની છૂટ આપી હતી, જેથી રૂ.10,000 કરોડ વસૂલ કરી શકાય.
સર્વોચ્ચ અદાલતના 2012ના આદેશના મુજબ રોકાણકારોના નાણાં પરત કરવા માટે રૂ.10,000 કરોડની રકમ સેબી-સહારા રિફંડ એકાઉન્ટમાં જમા કરાવવાની રહેશે. કોર્ટે જણાવ્યું હતું કે જો સંયુક્ત સાહસ/વિકાસ કરાર 15 દિવસની અંદર કોર્ટમાં રજૂ કરવામાં નહીં આવે તો કોર્ટ વર્સોવા ખાતેની 12.15 મિલિયન ચોરસ ફૂટ જમીનનું વેચાણ કરશે.
અગાઉ સુપ્રીમ કોર્ટે રૂ.10,000 કરોડની વસૂલાત માટે વેચી શકાય તેવી મિલકતોની યાદી આપવા માટે સહારા ગ્રુપને આદેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે ગ્રુપ પાસેથી તેના અધિકારીઓ અને હાલના શેરહોલ્ડર્સની પણ વિગતો માગી હતી.
સુપ્રીમ કોર્ટે 31 ઓગસ્ટ, 2012 આદેશોમાં જણાવ્યું હતું કે સહારા ઈન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન (SIRECL) અને સહારા હાઉસિંગ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન (SHICL)એ વ્યક્તિગત રોકાણકારો અથવા રોકાણકારોના જૂથ પાસેથી એકત્રિત કરેલી રકમ ત્રણ મહિનામાં 15 ટકા વાર્ષિક વ્યાજ સાથે સેબીમાં જમા કરશે. કોર્ટે જણાવ્યું હતું કે અદાલતે રોકાણકારોના નાણાં પરત કરવા માટે કોઈ વ્યવહારુ ઉકેલ શોધવો પડશે કારણ કે આ મુદ્દો એક દાયકા કરતાંથી વધુ સમયથી પેન્ડિંગ છે. સહારા ગ્રૂપે કહ્યું છે કે તે આશરે રૂ. 10,000 કરોડ જમા કરાવવા માટે કોઇ સ્કીમ સબમિટ કરશે. આ બાબત આગળ વધી શકી નથી. કોર્ટે રૂ.25,000 કરોડ જમા કરાવવાના નિર્દેશ આપ્યાને 10 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. અમારે આગળ વધવા માટેનો કોઇ વ્યવહારુ ઉકેલ શોધવો પડશે, કારણ કે કંપનીએ અત્યાર સુધીમાં માત્ર રૂ.15,000 કરોડ જમા કર્યા છે.
સેબી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અરવિંદ દાતારે જણાવ્યું હતું કે 2023માં સુબ્રત રોયના અવસાન પછી કોઈને ખબર નથી કે કંપનીના વડા કોણ છે અને કોર્ટના આદેશ મુજબ તે પૈસા કેવી રીતે જમા કરાવશે.
કોર્ટના આદેશ મુજબ સંપૂર્ણ રકમ જમા ન કરવા પર નારાજગી વ્યક્ત કરતાં મંગળવારે કોર્ટે જણાવ્યું હતું કે “રૂ.25,000 કરોડમાંથી બાકીના રૂ.10,000 કરોડ જમા કરાવવા માટે તેની મિલકતો વેચવા પર સહારા ગ્રુપ પર કોઈ પ્રતિબંધ નથી. માત્ર શરત એ છે કે આ મિલકતો સર્કલ રેટથી નીચે વેચવી જોઈએ નહીં અને જો તેને સર્કલ રેટથી નીચે વેચવું હોય તો કોર્ટની પૂર્વ પરવાનગી લેવી પડશે.