(ANI Photo)

બુલડોઝર ન્યાયની આકરી ઝાટકણી કરતાં સુપ્રીમ કોર્ટે આવી કાર્યવાહી પર બ્રેક લગાવતા સમગ્ર દેશ માટે દિશાનિર્દેશ જારી કરતા જણાવ્યું હતું કે અગાઉથી કારણદર્શક નોટિસ વગર કોઈપણ મિલકત તોડી શકાશે નહીં અને અસરગ્રસ્તોને જવાબ આપવા માટે 15 દિવસનો સમય આપવો પડશે. અહીં ઉલ્લેખનીય છે કે ભાજપ શાસિત યુપી સહિતની કેટલીક સરકારો તાકીદે કાર્યવાહી કરીને ગુનેગારોની મિલતો પર બુલડોઝર ફેરવી દે છે.

સર્વોચ્ચ અદાલતે સખત ટીપ્પણી કરતાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે અધિકારીઓ જજ બની શકે નહીં. તેઓ કોઇ વ્યક્તિને દોષિત જાહેર કરીને સજા તરીકે તેની રેસિડેન્શિયલ કે કોમર્શિયલ મિલકતોને તોડી શકે નહીં. વહીવટીતંત્રનું આવું કૃત્ય તેની મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે.આવી મનસ્વી અને આપખુદ કાર્યવાહીને બંધારણમાં કોઇ સ્થાન નથી. આવા અધિકારીઓ સામે કાયદો આકરા હાથે કામ કરશે.

દરેક વ્યક્તિ પોતાનું ઘર ઈચ્છે છે અને ઘરું સપનું ક્યારેય તૂટતું જોવા માગતો નથી તેના મહત્ત્વને સમજવા માટે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બીઆર ગવઈએ પ્રખ્યાત હિન્દી કવિ પ્રદીપની બે પંક્તિઓ ટાંકી જણાવ્યું હતું કે ‘અપના ઘર હો, અપના આંગન હો, ઇસ ખ્વાબ મેં હર કોઈ જીતા હૈ; ઇન્સાન કે દિલ કી યે ચાહત હૈ કી એક ઘર કા સપના કભી ના છૂટે’

જસ્ટિસ બી આર ગવઈ અને કે વી વિશ્વનાથનની બેન્ચે બુલડોઝર દ્વારા એક ઈમારતને તોડી પાડીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને રાતોરાત બેઘર કરી દેતા દૃશ્યને “ભયાનક” ગણાવ્યું હતું. કોર્ટે જણાવ્યું હતું કે સત્તાવાળાઓ કુદરતી ન્યાયના મૂળભૂત સિદ્ધાંતોનું અને યોગ્ય પ્રક્રિયાના સિદ્ધાંતોના પાલન વગર કોઇ બિલ્ડિંગ તોડી પાડે છે ત્યારે ભયાનક દૃશ્ય ઊભું થાય છે, જે આપણને અરાજકતાની યાદ અપાવે છે.

સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 142 હેઠળની સત્તાનો ઉપયોગ કરીને કેટલાંક દિશાનિર્દેશ જારી કર્યા હતા. જોકે ખંડપીઠે સ્પષ્ટતા કરી હતી કે રસ્તા, શેરી, ફૂટપાથ, રેલ્વે લાઇન અથવા કોઈપણ નદી અથવા જળાશયો જેવા જાહેર સ્થળે અનધિકૃત માળખું હોય અને કાયદાની અદાલત દ્વારા તોડી પાડવાનો આદેશ હોય તેવા કિસ્સામાં પણ આ દિશાનિર્દેશ લાગુ થશે નહીં.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે હવે પછી સત્તાવાળાઓ અમારા દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરશે. જો કોઈપણ દિશાનિર્દેશોનું ઉલ્લંઘન થશે તો કોર્ટ તિરસ્કારની કાર્યવાહી થશે.

 

LEAVE A REPLY