ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં 7 મહિનાથી ફસાયેલા સુનિતા વિલિયમ્સે ગુરુવારે વધુ એક કમાલ કરી હતી. તેમણે સ્પેસ સ્ટેશનની બહાર આવીને સ્પેસવોક કર્યું હતું. આની સાથે સુનિતાનો સ્પેસવોકનો કુલ સમય વધીને 56 કલાક થયો હતો. આ વિલિયમ્સ માટે આઠમું સ્પેસવોક હતું. સુનિતા વિલિયમ્સ સાથે બીજા એક અવકાશયાત્રી નિક હેગે પણ સ્પેસવોક કર્યું હતું.
બંને અમેરિકન અવકાશયાત્રીઓએ ભારતીય સમય મુજબ સાંજે લગભગ 6.30 વાગ્યે સાત મહિના પછી પ્રથમ વખત સ્પેસવોક કર્યું. નાસા ઘણા દિવસોથી આ સ્પેસવોકની તૈયારી કરી રહ્યું હતું અને તેની આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું. નાસાએ બંને અવકાશયાત્રીઓના ચાલવાનો વીડિયો શેર કર્યો હતો અને કહ્યું હતું કે અમારા બે અવકાશયાત્રીઓ, નિક હેગ અને સુનિતા વિલિયમ્સ અમારા NICER (ન્યુટ્રોન સ્ટાર ઇન્ટિરિયર કમ્પોઝિશન એક્સપ્લોરર) એક્સ-રે ટેલિસ્કોપનું સમારકામ સહિત સ્ટેશનને અપગ્રેડ કરવા માટે સ્પેશ સ્ટેશનથી બહાર આવ્યા છે.
નાસાએ આ સ્પેસ વોકનું સોશિયલ મીડિયા X પર લાઇવ પ્રસારણ પણ કર્યું હતું. આ દરમિયાન સુનિતા વિલિયમ્સે રેડિયો પર કહ્યું, હું બહાર આવી રહી છું. સુનિતા વિલિયમ્સ અને તેમના સહ-યાત્રી બુચ વિલ્મોર ગયા વર્ષે 5 જૂને અવકાશ મથક પર પહોંચ્યા હતા અને સમયપત્રક મુજબ તેઓ એક અઠવાડિયા પછી પૃથ્વી પર પાછા ફરવાના હતાં, પરંતુ સ્ટારલાઇનર કેપ્સ્યુલ વાહનમાં ખામી સર્જાતા બંને છેલ્લા સાત મહિનાથી ત્યાં અટવાયેલા છે. નાસાના મતે તેઓ માર્ચ અથવા એપ્રિલ સુધીમાં પૃથ્વી પર પાછી ફરી શકે છે.