બોઇંગના સ્ટારલાઈનર અવકાશયાન દ્વારા છ જૂને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(આઈએસએસ) પર ગયેલા અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર ફેબ્રુઆરી 2025 સુધી પરત આવી શકે નહીં તેવી અમેરિકાની અવકાશ એજન્સીએ નાસાએ શક્યતા વ્યક્ત કરી છે. આ બંને અવકાશયાત્રી એક સપ્તાહમાં પરત આવવાના હતા, પરંતુ યાનમાં ટેકનિકલ ખામીને કારણે તેઓ પરત આવી શક્યા નથી.
અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ કહ્યું હતું કે બંને અવકાશયાત્રી બોઇંગ સ્પેસક્રાફ્ટને બદલે ફેબ્રુઆરી 2025માં સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન દ્વારા પૃથ્વી પર પરત આવી શકે છે. માસ્ટરલાઈનર કે ક્રૂ ડ્રેગનનો ઉપયોગ કરવાનો નિર્ણય આગામી સપ્તાહે કોઈ પણ સમયે લેવાઈ શકે છે.
રિસ્ક ઉઠાવીને સ્ટારલાઈનરની મદદથી ક્રૂને પરત લાવવા કે ક્રૂ ડ્રેગનનો સુરક્ષિત વિકલ્પ પસંદ કરવો તે અંગે નાસા વિચારણા કરી રહી છે. જો નાસા સ્ટારલાઈનરના મિશનને બદલવાનો નિર્ણય કરશે તો બોઇંગને ફટકો પડશે, કારણ કે તેનું આ પ્રથમ ટેસ્ટ મિશન હતું અને તે નિષ્ફળ ગણાશે. 2016થી સ્ટારલાઈનરના ડેવલપમેન્ટમાં બોઇંગ 1.6 બિલિયન ડોલરનો ખર્ચ કરી ચુક્યું છે. સ્ટારલાઈનર મિશન પાંચમી જૂનની લોન્ચ થયું હતું. સ્પેસક્રાફ્ટ 6 જૂને કલાકે આઈએસએસ પહોંચ્યું હતું. આ પછી 28માંથી પાંચ રિએક્શન કંટ્રોલ થ્રસ્ટરમાં પરેશાની આવી ગઈ હતી. ઓવરહીટિંગ થ્રસ્ટર્સના કારણે ટેફ્લોન સીલ પર અસર પડી રહી છે. જેનાથી પ્રોપલેન્ટ ફ્લો સીમિત થઈ રહ્યો છે અને થ્રસ્ટ કમજોર બન્યું છે.