નાસાના અધિકારીઓના જણાવ્યા મુજબ અવકાશમાં ગયેલા સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર પૃથ્વી પર ક્યારે પરત આવશે તેની તારીખ હજુ સુધી નક્કી થઇ શકી નથી. તેમને પરત આવવામાં પહેલેથી જ એક મહિના કરતાં વધુ મોડું થઇ ચૂક્યું છે. જ્યાં સુધી એન્જિનીઅર્સ તેમની બોઇંગ કેપ્સ્યુલ સંબંધિત સમસ્યાઓનું નિવારણ લાવે ત્યાં સુધી નાસાના આ બંને અવકાશયાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રહેશે. ટેસ્ટ પાયલટ્સ બૂચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ અંદાજે એક અઠવાડિયા માટે ઓર્બિટિંગ લેબની મુલાકાત લઇને મધ્ય જૂનમાં પરત આવવાના હતા, પરંતુ બોઇંગની નવી સ્ટારલાઇનર કેપ્સ્યુલમાં ખામી સર્જાતા અને હિલીયમ લીક થવાને કારણે નાસા અને બોઇંગ દ્વારા તેમને લાંબા સમય સુધી રોકવામાં આવ્યા છે. નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ મેનેજર સ્ટીવ સ્ટીચે જણાવ્યું હતું કે, મિશનના મેનેજર્સ અવકાશયાત્રીઓના પરત આવવાની તારીખ જાહેર કરવા તૈયાર નથી. તેમનો ધ્યેય વિલ્મોર અને વિલિયમ્સને સ્ટારલાઇનરમાં પરત લાવવાનો છે.
સ્ટિચે સ્વીકાર્યું હતું કે, અન્ય વિકલ્પોની સમીક્ષા કરવામાં આવી રહી છે. સ્પેસએક્સની ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા નાસાના અવકાશયાત્રીઓને સ્પેસ સ્ટેશન પરથી પરત લાવવાનો બીજો વિકલ્પ છે. તેમણે કહ્યું હતું કે, “નાસા પાસે હંમેશા આકસ્મિક વિકલ્પો હોય છે.” એન્જિનીઅર્સે ગત સપ્તાહે ન્યૂ મેક્સિકોના રણમાં વધારાના થ્રસ્ટરની ચકાસણી કરી હતી.

LEAVE A REPLY