બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકે યુકેમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીની બ્લાવટનિક સ્કૂલ ઓફ ગવર્નમેન્ટમાં વર્લ્ડ લીડર્સ સર્કલના સભ્ય અને ડિસ્ટિંગ્વિશ્ડ ફેલો તરીકે અને યુએસની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના હૂવર ઇન્સ્ટિટ્યૂશનમાં વિલિયમ સી એડવર્ડ્સ ડિસ્ટિંગ્વિશ્ડ વિઝિટિંગ ફેલો તરીકે નવી શૈક્ષણિક ભૂમિકાઓ સંભાળી છે.
રિચમંડ અને નોર્થહાલર્ટનના કન્ઝર્વેટિવ પાર્ટીના સંસદ સભ્ય સુનક સ્ટેનફોર્ડમાં ટ્રાન્સ-એટલાન્ટિક સંબંધો, આર્થિક નીતિ, ટેકનોલોજી અને વૈશ્વિક સુરક્ષા પડકારો સહિતના વિવિધ મુદ્દાઓ પર કામ કરશે.
સુનકે એક નિવેદનમાં જણાવ્યું હતુ કે “બ્લાવટનિક અને હૂવર બંને આપણે જે આર્થિક અને સુરક્ષા પડકારોનો સામનો કરી શકીએ છીએ અને આપણા સમયની ટેકનીકલ તકોનો લાભ લઈ શકીએ છીએ તેના પર શાનદાર કાર્ય કરે છે. મને ઓક્સફર્ડ અને સ્ટેનફોર્ડ બંને માટે ખૂબ જ પ્રેમ છે જે બંનેમાં અભ્યાસ કરવા માટે હું ભાગ્યશાળી હતો. તેમણે મારા જીવન અને કારકિર્દીને આકાર આપ્યો, અને હું આગામી વર્ષોમાં તેમના વિશ્વ-અગ્રણી સંશોધનમાં યોગદાન આપવા માટે આતુર છું.”
બ્લાવટનિક સ્કૂલના ડીન પ્રોફેસર ન્ગેર વુડ્સે જણાવ્યું હતું કે ‘’ઓક્સફર્ડમાં પોલિટિક્સ, ફિલોસોફી અને ઇકોનોમિક્સ (PPE) ભણનાર બ્રિટિશ ભારતીય રાજકારણી સુનકની કુશળતા આજે વિશ્વભરના નેતાઓને વિકસિત વૈશ્વિક પડકારોનો સામનો કરવા તેમજ તકોનો લાભ લેવા માટે જરૂરી તાત્કાલિક કુશળતાથી સજ્જ કરવાના અમારા કાર્યને આકાર આપશે.”
તો ઓક્સફર્ડ યુનિવર્સિટીના ચાન્સેલર-ઇલેક્ટ અને ટોરી પાર્ટીમાં સુનકના ભૂતપૂર્વ માર્ગદર્શક વિલિયમ હેગે જણાવ્યું હતું કે ‘’સુનક યુનિવર્સિટી માટે વિશાળ સંપત્તિ હશે. ઋષિનો ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથેનો સંબંધ ઊંડો છે અને તેમને અલ્મા મેટરમાં પાછા આવીને આટલી અર્થપૂર્ણ રીતે યોગદાન આપતા જોઈને ખૂબ આનંદ થયો.”
યુએસના ભૂતપૂર્વ વિદેશ સચિવ અને હૂવર ઇન્સ્ટિટ્યૂશન ડિરેક્ટર કોન્ડોલીઝા રાઇસે જણાવ્યું હતું કે યુકેના ભૂતપૂર્વ વડા પ્રધાન પાસે વ્યાપક નીતિ અને વૈશ્વિક અનુભવ છે જે ફેલોશિપને સમૃદ્ધ બનાવશે અને આગળ વધતી મહત્વપૂર્ણ નીતિઓને વ્યાખ્યાયિત કરવામાં મદદ કરશે.’’