કલ્પેશ સોલંકી, ઋષી સુનક અને શૈલેષ સોંલકી
  • એક્સક્લુસિવ
  • શૈલેષ સોલંકી અને બાર્ની ચૌધરી

‘’મારી શ્રદ્ધા અને ધર્મએ મને મુશ્કેલ સમયમાં માર્ગદર્શન આપવામાં મદદ કરી છે અને હિંદુ તરીકે મારા ‘ધર્મ’ (ફરજની ભાવના) એ મને યુકેમાં સૌથી પડકારજનક નોકરી સ્વીકારવા માટે પ્રેર્યો છે. આ દેશે મારા અને મારા પરિવાર માટે જે કર્યું છે તેના માટે હું ખૂબ જ આભારી છું, અને તેથી જ મને આ દેશ ગમે છે, અને હું અન્ય લોકોને મદદ કરવા માટે મારા આ કામમાં ખૂબ જ મહેનત કરું છું’’ એમ વડા પ્રધાન, ઋષિ સુનકે, ‘ગરવી ગુજરાત’ને એક વિશેષ મુલાકાતમાં કહ્યું હતું.

2010માં સાંસદ તરીકે ચૂંટાયેલા સાથી કન્ઝર્વેટિવ બોબ બ્લેકમેનના મતવિસ્તારમાં આવેલા નોર્થ વેસ્ટ લંડનના કેન્ટન હેરો સ્થિત શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત દરમિયાન વડા પ્રધાન સુનકે કહ્યું હતું કે “તમારા સમુદાય અને ખાસ કરીને ધર્મની સેવાના મૂલ્યો સાથે મારો ઉછેર થયો છે. તે કોઈની ફરજ નિભાવવા વિશે છે. સ્વાભાવિક રીતે “ઓફિસનું આવરણ” તેની જવાબદારીઓમાં વજન ઉમેરે છે.’’

વડા પ્રધાન સુનકે એવા સમયે દેશ અને તેમના પક્ષનું નેતૃત્વ સંભાળ્યું હતું જ્યારે બ્રિટનની અર્થવ્યવસ્થા તેમના પુરોગામી લિઝ ટ્રસના કારણે મંદીમાં આવી ગઈ હતી, બજારો ગભરાઈ ગયા અને સ્ટર્લિંગ રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી ગયો હતો. મિની બજેટમાં £45 બિલિયનના અનફંડેડ ટેક્સ કટનો સમાવેશ કરાતા સાર્જાયેલા વિવાદો બાદ માત્ર 49 દિવસ પછી તેણીએ રાજીનામું આપ્યું હતું.

તમારા માટે ધર્મ અને સંસ્કૃતિનો શું અર્થ છે તેવા પ્રશ્નના જવાબમાં સુનકે ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે ‘હમણાં જ મેં ધર્મ વિશે વાત કરી છે, અને તે વાત કરવાની શ્રેષ્ઠ રીત છે. હું સમુદાય અને ખાસ કરીને ધર્મના સેવાના મૂલ્યો સાથે ઉછર્યો છું, તે પોતાની ફરજ બજાવવાની વાત છે. આ દેશે મારા અને મારા પરિવાર માટે જે કર્યું છે તેના માટે હું ખૂબ જ આભારી છું, અને તેથી જ મને તે ગમે છે, અને હું આ કામમાં અન્ય લોકોને મદદ કરવા માટે ખૂબ જ મહેનત કરું છું. તે ફિલસૂફી મને અહેસાસ કરાવે છે કે જ્યારે બાબતો મુશ્કેલ હોય ત્યારે કંઈક એવું હોવું જરૂરી છે જેની સાથે તમે જોડાણ કરી શકો, ટેકો અને હિંમત મેળવી શકો. તે જ મને, મારાથી બને તેટલી મહેનત કરવાનું શીખવે છે, મને જે યોગ્ય લાગે તે કરૂ છું, અને તેના પરિણામ પર નિર્ધારિત ન થવાનો પ્રયાસ કરી મને જે યોગ્ય લાગે છે તે કરવા પર મારૂ ધ્યાન કેન્દ્રિત કરૂ છું, અને હું કરી શકું તેટલું  કરૂ છું, અને મારી ફરજ યોગ્ય રીતે નિભાવું છું, અને જો તે મુશ્કેલ હોય તો પણ, હું અહીં તે કરવા આવ્યો છું.’’

મુશ્કેલ પરિસ્થિતિમાં હિન્દુ ધર્મની મદદ, ડાઉનિંગ સ્ટ્રીટમાં ઘર મંદિર, રોજબરોજની પ્રાર્થના અને ધ્યાન અંગે ઉત્તર આપતા શ્રી સુનકે જણાવ્યું હતું કે ‘’હા ચોક્કસ, હું એવી શ્રદ્ધા ધરાવતો વ્યક્તિ છું જેમાં પ્રાર્થના અને હનુમાન ચાલીસા સાંભળવામાં આવે છે, આજે સાંજે (મંદિર તરફથી આપવામાં આવેલી સારંગપુરના કષ્ટભંજન હનુમાન દાદાની પ્રતિમા તરફ ઈશારો કરી) આ મૂર્તિ હું ઘરે લઇ જઇશ.’’

પ્રારંભિક બાળપણ, જીવનમાં ધર્મ અને હિન્દુ ધર્મનો ખ્યાલ કેવી રીતે સ્થપાયો તે વિષે જવાબ આપતા સુનકે કહ્યું હતું કે ‘’હું ખરેખર નસીબદાર હતો, કારણ કે મારો ઉછેર ખૂબ જ પ્રેમાળ ઘર અને ખૂબ જ સહાયક પરિવારમાં થયો હતો. કુટુંબ કદાચ આપણા બધાના જીવનમાં સૌથી મહત્વની બાબત છે, પણ મને લાગે છે કે સરકારો હંમેશા તેની વાત કરતી નથી. હું તેના વિશે વાત કરવામાં ખુશ છું, કારણ કે મને લાગે છે કે તે મહત્વપૂર્ણ છે. મારો ઉછેર પણ સખત મહેનત અને સેવાના મૂલ્યો સાથે થયો હતો અને અમારા માટે અલગ અલગ રીતે સમુદાયની સેવા કરવી એ એક એવી બાબત હતી જે મારા ફાર્માસિસ્ટ અને જીપી તરીકે કામ કરતા માતા-પિતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. તેઓ એવા લોકોની સંભાળ રાખતા હતા જેના માટે તેઓ જવાબદાર હતા અને તે તેમની ફરજ હતી. પણ, પછી ભલે તે મંદિરમાં હોય કે અન્ય બાબતોમાં હોય, પણ તે અમારા પર પ્રેરિત કરવામાં આવ્યું હતું કે તમારે તમારા સમુદાયના અન્ય લોકોને ઘણી બધી વિવિધ બાબતોમાં મદદ કરી તમારો સમય પસાર કરવો પડશે. તે રીતે અમારો ઉછેર થયો. દેખીતી રીતે, તમે સખત મહેનત વિના જીવનમાં ક્યાંય કશું મેળવા શકશો નહીં. તમારે જે જોઈએ છે તેના માટે તમારે સખત મહેનત કરવી પડશે.’’

સત્તા સંભાળી ત્યારે દેશના કઠિન સમય અને કટોકટી વખતે સત્તા મેળવવા વિષેની શંકા અને ધર્મની ભાવના બાબતે શ્રી સુનકે કહ્યું હતું કે ‘’હા, ખરેખર તે ભાવના હતી. હું ન હોત તો પણ આવનારા અન્ય કોઇ પણ વડાપ્રધાન માટે સૌથી ખરાબ ‘હોસ્પિટલ પાસ’ તરીકે માહોલ હતો. મને લાગ્યું કે મારી પાસે કોઈ વિકલ્પ નથી અને તે મારી ફરજ છે, મેં અર્થતંત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આજે આપણે તે આર્થિક સ્થિરતા પુનઃસ્થાપિત કરી છે. અમે જે કર્યું તેને કારણે 11% પરથી ફુગાવો લક્ષ્યાંક પર પાછો ફર્યો છે, અર્થતંત્ર આપણા સ્પર્ધકો કરતાં વધુ ઝડપથી વૃદ્ધિ પામી રહ્યું છે, વેતનમાં વધારો થયો છે તો વ્યાજ દરો ઓછા થવાના આરે છે. ખરેખર સારી પ્રગતિ થઈ તે સૌથી મહત્વપૂર્ણ બાબત છે.’’

પત્ની અક્ષતા અને દિકરીઓ વિશે અને તેમના પરના આધાર વિષે ઉત્તર આપતા તેમણે કહ્યું હતું કે ‘’ઘણો, બહુ મોટો આધાર રાખુ છું. અક્ષતા મારા માટે અવિશ્વસનીય ટેકો છે, અને તે મને ઘણી શક્તિ અને ટેકો પૂરો પાડે છે. મોટે ભાગે હું જે કરું છું તે મારી દિકરીઓને પરેશાન કરતું નથી, અને તેઓ તેના પર ધ્યાન કેન્દ્રિત કરતી નથી. તેઓ તેમની રમતમાં, ટેલિવિઝનમાં અને તેમના શોખમાં વધુ રસ ધરાવે છે. વાસ્તવમાં હું તેમને એટલો બધો મળી શકતો નથી. જ્યારે પણ મને તેમની સાથે સમય વિતાવવા મળે ત્યારે હું બાકીની બધી બાબતોથી વિરામ લઇ લઉં છું. તેઓ એટલા નાના છે કે આ બાબતો વિષે ચિંતિત થતા નથી.’’

ઇમિગ્રન્ટ્સને રાક્ષસ બતાવવામાં આવે છે ત્યારે ઇમિગ્રન્ટ્સના બાળક શું તમે અસ્વસ્થ થાવ છો તેનો જવાબ આપતા સુનકે કહ્યું હતું કે ‘’ના. મેં હંમેશા કહ્યું છે કે, આપણો દેશ કેટલો સહિષ્ણુ અને દયાળુ છે તેનો હું જીવતો પુરાવો છું. આપણે બધા પુરાવા સમાન છીએ. ખરું ને? આ દેશમાં આપણું સ્વાગત કરવામાં આવ્યું છે. મેં હંમેશા કહ્યું છે કે, જો તમે અહીં આવો અને સખત મહેનત કરો, એકીકૃત થાવ, સામાન્ય મૂલ્યોનો સમૂહ શેર કરવા તૈયાર થાવ તો તમે જે પ્રાપ્ત કરી શકો છો તેની મર્યાદા અમાપ છે. અને હું તેનો જીવતો પુરાવો છું. અને તે કંઈક છે જેની આપણે ઉજવણી કરવી જોઈએ. આપણે આખા વિશ્વમાં સૌથી સફળ, બહુ-વંશીય, બહુ-ધર્મિય લોકશાહી છીએ. આપણા માટે ખૂબ જ ગર્વનો સ્ત્રોત હોવો જોઈએ. પરંતુ મને લાગે છે કે આપણે ઇમિગ્રેશનના સ્તરનું નિયંત્રણ કરીએ છીએ તેમ દર્શાવી નહિં શકીએ તો તે સફળતા જોખમમાં મૂકાઈ જશે. છેલ્લા કેટલાક વર્ષોમાં તે સ્તર ખૂબ જ ઊંચું છે. યોગ્ય છે કે તે વધુ ટકી શકે તેવા સ્તર પર પાછું આવે. તે જાહેર સેવાઓ પરનું દબાણ ઓછું કરે છે. આપણે અહીં ઘરે વેલ્ફેર સીસ્ટમમાં સુધારો કરી રહ્યા છીએ, જેથી લોકોને કામમાં મદદ કરી શકીએ. ખાસ કરીને રોગચાળા પછી આપણી પાસે વેલ્ફેર સીસ્ટમ પર ઘણા લોકો છે. જો તેઓ કામ કરી શકે તો તેમના માટે અને  દેશ માટે સારું છે. તો જ કામ માટે વિદેશથી આવતા લોકો પર ઓછા નિર્ભર થવું પડે.’’

દેશમાં અશ્વેત અને એશિયન સમુદાયોના યોગદાનની ઉજવણી વિશે વાત કરતા સુનકે કહ્યું હતું કે ‘’મને લાગે છે કે એક અર્થમાં તે મોટી વાત છે કે હું પ્રથમ બ્રિટિશ, એશિયન વડા પ્રધાન છું. મને લાગે છે કે વાસ્તવમાં તે એક સકારાત્મક અને સારી બાબત છે. પરંતુ અલબત્ત, આપણે સતત પ્રગતિ કરવાની જરૂર છે, માત્ર ખાતરી કરવાની જરૂર છે કે આપણે સહિષ્ણુ છીએ અને આપણી વંશીય કે ધાર્મિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના તેઓ પરિપૂર્ણ જીવન જીવવા માટે લાયક છે તેવી તકો મેળવે.’’

પ્રથમ અને બિન-શ્વેત બ્રિટિશ એશિયન વડા પ્રધાન તરીકેની અપેક્ષાઓ સંદર્ભે સુનકે કહ્યું હતું કે ‘’હા, મને જવાબદારીની વધારાની લાગણી થાય છે. કારણ કે હું જાણું છું કે ઘણા બધા લોકો મારી તરફ જોઈ રહ્યા છે. હું દરેક માટે સારું કામ કરવા માંગુ છું અને જવાબદારીનો ભાર જોતા હું કોઈને નિરાશ કરવા માંગતો નથી.’’

FTSE 100 કંપનીઓમાં બ્રિટનમાં જન્મેલા અશ્વેત અથવા એશિયન સીઈઓની નિમણૂક બાબતે સુનકે કહ્યું હતું કે ‘’મને લાગે છે કે અમે બોર્ડ પર પ્રગતિ કરી છે. વાસ્તવમાં, સરકાર કોર્પોરેટ ગવર્નન્સ અને બોર્ડ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેટલા વધુ લોકો સફળ થવા માટે સક્ષમ છે, તે લોકો તેની તરફ જોઇ કહે છે કે, “ઓહ, હું તે કરી શકું છું. તે દરવાજો મારા માટે બંધ નથી.હું યોગ્યતામાં વિશ્વાસ કરું છું અને મારે સુનિશ્ચિત કરવું છે કે દરેકને યોગ્ય તકો મળે અને કોઈપણ કૃત્રિમ અયોગ્ય અવરોધો દૂર થાય. આપણી પાસે હમણાં પ્રીમિયર લીગમાં પ્રથમ શીખ રેફરી હતા. તે માત્ર સમયની બાબત છે. તમે દરેક ક્ષેત્રે બ્રિટિશ એશિયનો અને તમામ પ્રકારની પૃષ્ઠભૂમિના લોકોને જોઈ રહ્યાં છો. આપણે ફક્ત વધુ સારું કરવાનું છે. હું તેનો જીવતો પુરાવો છું. અને જો હું આ કરવા માટે સક્ષમ છું, તો લગભગ તે બધે જ શક્ય હોવું જોઈએ.’’

‘’એશિયન અને અશ્વેત સમુદાયોને મદદ કરવાના કન્ઝર્વેટિવ્સના રેકોર્ડ પર મને ગર્વ છે. 2010થી, વંશીય લઘુમતી જૂથોમાં રોજગાર 70 ટકા વધ્યો છે, અને બ્રિટનની સૌથી મોટી કંપનીઓમાં ટોચ પર વંશીય વિવિધતા પણ વધી છે – FTSE 100 કંપનીઓમાંથી 96 પાસે હવે ઓછામાં ઓછા એક વંશીય લઘુમતીના ડિરેક્ટર છે. જ્યારે આપણે હજુ ઘણું કરવાનું છે, ત્યારે આપણે આ સિદ્ધિઓની ઉજવણી કરવી જોઈએ અને આપણા દેશની પ્રગતિને ઓછી કરવી જોઈએ નહીં.’’

સુનકે કહ્યું હતું કે “તમારા મતથી, હું આગામી સંસદમાં વધુ બોલ્ડ પગલાં લઈશ, કામદારો, માતા-પિતા અને પેન્શનરો માટેના કરમાં ઘટાડો કરીશ અને બ્રિટનની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ – નાના બિઝનેસીસને વિકાસમાં મદદ કરીશ. હું ગરવી ગુજરાતના વાચકોને વિનંતી કરીશ કે અમને યોજનાને વળગી રહેવાની મંજૂરી આપે, જે સ્પષ્ટ પરિણામો આપી રહી છે.”

(Picture by Edward Massey / CCHQ)

 

LEAVE A REPLY