–        અમિત રોય દ્વારા

ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકે સાંસ્કૃતિક અને સમાજશાસ્ત્રીય ઇતિહાસ રચી દાવો કર્યો છે કે બ્રાઉન કલરનો વ્યક્તિ બ્રિટિશ જ નહીં ઇંગ્લિશ પણ હોઈ શકે છે. તેમણે ભૂતપૂર્વ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનના ‘’ઇંગ્લિશપણું વંશ, વારસો અને હા, વંશીયતામાં મૂળ હોવું જોઈએ – બીજા શબ્દોમાં કહીએ તો, વ્યક્તિ ગોરી હોવી જોઈએ એવા સૂચનને “હાસ્યાસ્પદ” ગણાવ્યું હતું.

ઘણા વર્ષોથી એક વાત સ્વીકારી લેવાઇ છે કે બ્રાઉન કે શ્યામ રંગની વ્યક્તિ બ્રિટિશ હોઈ શકે છે. પણ હવે, સુનકની બોલ્ડ ઘોષણાથી યુકેમાં જન્મેલા બાળકો, પૌત્રો અને પ્રથમ પેઢીના ઇમિગ્રન્ટ્સના પ્રપૌત્રો માટે એવું અનુભવવાનું સરળ બનશે કે તેઓ એક જ સમયે હિન્દુ કે મુસ્લિમ, બ્રિટિશ અને ઇંગ્લિશ હોઈ શકે છે.

સુનકે જે ચર્ચા શરૂ કરી છે તેના અણધાર્યા પરંતુ ફાયદાકારક પરિણામો આવી શકે છે અને કદાચ બિન-શ્વેત લોકોને આ દેશનો અભિન્ન ભાગ અનુભવવામાં મદદ કરશે.

ઇંગ્લિશપણાં વિશેની ચર્ચા શરૂઆતમાં ધ સ્પેક્ટેટરના ભૂતપૂર્વ એડિટર ફ્રેઝર નેલ્સન અને કોન્સ્ટેન્ટિન કિસિન નામના વ્યક્તિ વચ્ચેના પોડકાસ્ટથી શરૂ થઈ હતી.

ઇન્ટરવ્યુઅર કોન્સ્ટેન્ટિન કિસિને ઋષિ સુનકને ટાંકીને પૂછ્યું હતું કે ‘તે બ્રાઉન રંગનો હિન્દુ છે, તે ઇંગ્લિશ કેવી રીતે હોઇ શકે?’ રશિયન ઇમિગ્રન્ટ ક્યારેય ઇંગ્લિશ ન હોઇ શકે. ઘણાં લોકો માને છે કે ઇંગ્લિશ એ વંશીયતાનો શબ્દ છે, બીજું કંઈ નહીં, તેથી સુનક જેવા લોકો ક્યારેય ઇંગ્લિશ નહીં બની શકે.”

બ્રેવરમેને ડેઇલી ટેલિગ્રાફમાં અભિપ્રાય આપતા લેખમાં ઇંગ્લિશપણાંની પરંપરાગત વ્યાખ્યાને સમર્થન આપતાં લખ્યું હતું કે “હું અહીં જન્મી હતી, ક્વીન ઇંગ્લિશ બોલતા ઉછરી હતી, અને ઇંગ્લેન્ડમાં શિક્ષિત થઈ હતી. છતાં હું ઇંગ્લિશ નથી. મારા માતાપિતા, ભારતીય ડાયસ્પોરાના સભ્યો છે, કેન્યા અને મોરેશિયસમાં જન્મ્યા હતા. તેમણે બ્રિટિશ નાગરિકતા મેળવી હતી, પરંતુ તેઓ ક્યારેય ઇંગ્લિશ ન હતા – અને ક્યારેય બની શકતા ન હતા. ઇંગ્લિશનેસનો અર્થ કંઈક નોંધપાત્ર હોવા માટે, તે વંશ, વારસો અને હા, વંશીયતામાં મૂળ હોવું જોઈએ – ફક્ત રહેઠાણ અથવા પ્રવાહિતામાં નહીં.”

ગોવાનું મૂળ ધરાવતા સુએલાએ સ્વીકાર્યું હતું કે “મને ઇંગ્લિશપણાનો એહાસાસ નથી કેમ કે મને ઇંગ્લિશ ભૂમિ સાથે કોઈ પેઢીગત સંબંધ નથી, આ ભૂમિના શહેરો કે ગામડાઓ સાથે કોઈ પૂર્વજોની વાર્તાઓ જોડાયેલી નથી. મારો વારસો, તેની સમૃદ્ધ સાંસ્કૃતિક અને વંશીય ઓળખ સાથે, કંઈક અલગ છે. હું બ્રિટિશ એશિયન છું, અને મને આ દેશ પ્રત્યે ઊંડો પ્રેમ, કૃતજ્ઞતા અને વફાદારી લાગે છે. પરંતુ હું ઇંગ્લિશ હોવાનો દાવો કરી શકતી નથી, અને ન તો મારે કરવો જોઈએ. ઇંગ્લિશ હોવાનો દાવો કરવા માટે પાંચ કે  છ પેઢીઓ પસાર થાય તે જરૂરી છે.”

ટેલિગ્રાફના વાચકોમાંથી મોટાભાગના તેમની સાથે સંમત થયા હતા કે “જો આપણે જુડિયો-ખ્રિસ્તી સભ્યતા, બ્રિટિશ મૂલ્યો અને ઇંગ્લિશ સંસ્કૃતિની વિશિષ્ટતાનો બચાવ કરવો હોય, તો કોઈ પ્રકારની સર્વસંમતિ હોવી જોઈએ.”

તેણીએ તારણ કાઢ્યું હતું કે “આપણે – ખાસ કરીને જમણેરી – રાષ્ટ્રીય ઓળખ અંગે આટલા બેદરકાર બનવાનું બંધ કરવું જોઈએ. બ્રિટિશ મૂલ્યો અને ઇંગ્લિશ સંસ્કૃતિને જાળવવા માટે, આપણને સ્પષ્ટતાની જરૂર છે, અસ્વીકારની નહીં. આપણે તે વ્યાખ્યાયિત કરવું જોઈએ કે આપણે શેના માટે લડી રહ્યા છીએ.”

પત્રકાર નિક રોબિન્સન દ્વારા બીબીસીના પોલિટિકલ થિંકિંગ પોડકાસ્ટમાં બ્રેવરમેનની ટિપ્પણીઓ વિશે પૂછવામાં આવતા સુનકે પોતાનું સીમાચિહ્નરૂપ નિવેદન આપતાં કહ્યું હતું કે “મારો મતલબ, અલબત્ત, હું ઇંગ્લિશ છું, અહીં જન્મ્યો હતો, અહીં ઉછર્યો છું. હું ઇંગ્લિશ છું. થોડા સમય પહેલા ઇન્ટરવ્યુમાં મને ટેબિટ ટેસ્ટ વિશે પૂછ્યું હતું.’’

ટોરી રાજકારણી નોર્મન ટેબિટે કહ્યું હતું કે “બ્રિટનની એશિયન વસ્તીનો મોટો હિસ્સો ક્રિકેટ મેચ વખતે કોના પક્ષમાં રહે છે તે ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ જાય છે. જેનું તાજુ ઉદાહરણ ચેમ્પિયન્સ ટ્રોફી મેચ હતી. ફક્ત ક્રિકેટમાં ઇંગ્લેન્ડને ટેકો આપવો કે ક્રિકેટ – ફૂટબોલમાં ઇંગ્લેન્ડ માટે રમવું પણ પૂરતું નથી. બ્રેવરમેનની વ્યાખ્યા મુજબ તો તમે ઇંગ્લેન્ડ માટે રમતા હો તો પણ ઇંગ્લિશ ન બની શકો. મને આખી વાત થોડી હાસ્યાસ્પદ લાગી.”

‘એમ્પાયરલેન્ડ’ પુસ્તકના લેખક સતનામ સંઘેરાએ બ્રેવરમેનના થીસીસને નકારી કાઢતા કહ્યું હતું કે “આ તેમના વિકૃત, જાતિવાદી રાજકારણ અને આપણા વર્તમાન પ્રવચનના ખુલ્લા ગટરનો તાર્કિક નિષ્કર્ષ છે. મને લાગે છે કે, હવે પ્રથમ બ્રાઉન ટોરી માટે પોતાને એવા દેશમાં દેશનિકાલ કરવાની રેસ છે જેને તેઓ જાણતા નથી.”

ઇતિહાસકાર ડેન સ્નોએ બ્રેવરમેનની મજાક ઉડાવતા કહ્યું હતું કે “કોઈએ તેમને પૂછવાની જરૂર છે કે શું રિચાર્ડ ધ લાયનહાર્ટ ઇંગ્લિશ હતા.”

આ અંગે ઓબ્ઝર્વરમાં, રોલમીસ્ટ કીનન મલિકે કહ્યું હતું કે ‘’જાતિ અને વંશીયતાના વિચારો ભેળસેળ થઈ ગયા છે. તેઓ વિચારે છે કે તેઓ ઇંગ્લિશ છે કારણ કે તેઓ અહીં જન્મ્યા છે. એનો અર્થ એ કે જો કૂતરો તબેલામાં જન્મે છે તો તે ઘોડો છે.’’

ઇનોક પોવેલે વધુ શુદ્ધ ભાષામાં આ જ લાગણી વ્યક્ત કરી હતી કે ‘’વેસ્ટ ઈન્ડિયન કે એશિયન, ઈંગ્લેન્ડમાં જન્મીને, ઇંગ્લિશ બનતો નથી. કાયદાની દ્રષ્ટિએ તે જન્મથી જ યુકેનો નાગરિક બને છે; હકીકતમાં તે હજુ પણ વેસ્ટ ઈન્ડિયન કે એશિયન જ છે.’’

આજે બહુ ઓછા લોકો આ દાવાને ગંભીરતાથી લેશે કે ફક્ત ગોરા લોકો જ ઇંગ્લિશ હોઈ શકે છે. બ્રિટન છેલ્લી અડધી સદીમાં બદલાઈ ગયું છે અને મોટાભાગના ઇંગ્લિશ લોકો હવે ઇયાન રાઈટ અને ઇદ્રીસ એલ્બાને ડેવિડ બેકહામ અથવા જોઆના લુમ્લી જેવા ઇંગ્લિશ તરીકે સ્વીકારે છે.

ભૂતપૂર્વ લેબર સાંસદ અને સાઉધમ્પ્ટન યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર ઇંગ્લિશ આઇડેન્ટિટી એન્ડ પોલિટિક્સના ડિરેક્ટર પ્રોફેસર જોન ડેનહામે ડેઇલી ટેલિગ્રાફના “હાઉ ઇંગ્લિશ આર યુ?” નામના એક લેખના સંદર્ભે ઇયાન હોલિંગશેડને કહ્યું હતું કે “બ્રેવરમેનનો એક ખાસ મત છે. તેઓ તેને અનુભવવાનો સંપૂર્ણ હકદાર છે. તેણી પાસે કંઈક મહત્વપૂર્ણ કહેવાનું એ છે કે રાષ્ટ્રીય ઓળખ પાસપોર્ટ કરતાં વધુ છે અને તેમાં ઇતિહાસ, સંબંધ અને મૂલ્યોની ભાવના શામેલ છે. યોગ્ય રીતે સમજાયેલી વંશીયતા એ બધા ઇતિહાસ અને મૂલ્યો વિશે છે જે રાષ્ટ્રીય ઓળખ બનાવવા તરફ જાય છે.”

ડેનહામે સમજાવ્યું હતું કે “દસ વર્ષ પહેલાં, એવું લાગતું હતું કે લોકો મુખ્યત્વે પોતાને ઇંગ્લિશ તરીકે ઓળખાવતા હતા. હવે ઇંગ્લિશ અને બ્રિટિશ બંને તરીકે ઓળખાવતા લોકો તરફ વધુ સૂક્ષ્મ પરિવર્તન આવ્યું છે. મજબૂત ઇંગ્લિશ ઓળખ હોવી એ દેશભક્તિની ભાવના સાથે ખૂબ જ સંકળાયેલી છે.”

શેડો જસ્ટિસ સેક્રેટરી રોબર્ટ જેનરિકને સ્કાય ન્યૂઝ પર ઇંગ્લિશ ઓળખ બાબતે પૂછતા તેમણે ‘આપણી હાલની ઓળખને જુસ્સા સાથે’ ચેમ્પિયન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદના રેડિયો ઇન્ટરવ્યુમાં, તેમણે લેન્ડસ્કેપ્સ, સાહિત્ય અને રવિવારના રોસ્ટ્સ વિશે ક્લિશેસનો આશરો લીધો હતો.”

ફાઇનાન્શિયલ ટાઇમ્સના કટારલેખક રોબર્ટ શ્રીમ્સલીએ ભૂતપૂર્વ સાથીદાર સાથેની ચર્ચાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘’તેમણે મને સમજાવ્યું હતું કે પોલિશ યહૂદી ઇમિગ્રન્ટ્સના પૌત્ર તરીકે હું ઇંગ્લિશ નથી. તેનાથી કોઈ ફરક પડતો નથી. પણ મને સુંદર રીતે ખાતરી આપી હતી કે તે બ્રિટિશ હતા. સાંસ્કૃતિક રીતે, હું ખૂબ જ ઇંગ્લિશ હતો. હું નિર્વિવાદપણે લંડનનો છું અને મેં ભૂતપૂર્વ ટોરી ચેરમેન નોર્મન ટેબિટ દ્વારા અપનાવવામાં આવેલી ક્રિકેટ ટેસ્ટ પાસ કરી હતી, જેમાં મેં રમતગમતની ઘટનાઓમાં ઇંગ્લેન્ડનો ઉત્સાહ વધાર્યો હતો. ….ધ્યાનમાં રાખો, આપણે બધાએ શ્યમ ફૂટબોલરો રાષ્ટ્રીય મંચ પર નિષ્ફળ જાય ત્યારે તેમની સામેની લોકોની પ્રતિક્રિયા જોઈ છે.”

તેમણે ચેતવણી આપી હતી કે આ ચર્ચા દરેક માટે ચિંતાનો વિષય હોવી જોઈએ. ચર્ચિલ ઇંગ્લિશ હતા? તેમની માતા ફ્રેન્ચ હ્યુગિનોટ વંશના અમેરિકન હતા. અને રાજાની વાત કરીએ તો, શું તેમના પિતા ગ્રીક નહોતા? આ કદાચ રમુજી લાગે છે. ઘણા ઇમિગ્રન્ટ વંશના લોકોની જેમ, હું ખૂબ જ દેશભક્ત છું, મારા દેશ પર ગર્વ અનુભવું છું, તેના કાયદાઓ અને પરંપરાઓનું રક્ષણ કરું છું, અને વિન્ની-ધ-પૂહ પ્રત્યે સમર્પિત છું. એક સમયે, તે પૂરતું લાગતું હતું.”

સુનકની બ્રિટનના પ્રથમ ભારતીય અને હિન્દુ વડા પ્રધાન તરીકે ઇતિહાસમાં નોંધ લેવાશે. પરંતુ તેમને આવનારા વર્ષોમાં ઇંગ્લિશપણાંની વ્યાખ્યાને વિસ્તૃત કરવા માટે પણ યાદ કરવામાં આવશે.

LEAVE A REPLY