આ સપ્તાહથી જ શરૂ થયેલી 2025ની પહેલી ગ્રાંડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ – ઓસ્ટ્રેલિયન ઓપનમાં રવિવારે (12 જાન્યુઆરી) પુરૂષોની સિંગલ્સમાં ભારતના એકમાત્ર ખેલાડી, સુમિત નાગલનો પહેલા રાઉન્ડમાં જ પરાજય થયો હતો.
સુમિતે 26મા ક્રમના તેના ચેક રીપબ્લિકના હરીફ ટોમસ મેકાક સામે સારી ટક્કર તો લીધી હતી, પણ તે 3-6, 6-1 અને 5-7થી પરાજિત થયો હતો. ગયા વર્ષે સુમિત બીજા રાઉન્ડમાં પહોંચ્યો હતો, પણ આ વર્ષે તે મુખ્ય સ્પર્ધામાં એકપણ સફળતા હાંસલ કરી શક્યો નહોતો.
પ્રથમ રાઉન્ડમાં જ પરાજય છતાં સુમિતને 1.32 લાખ ઓસ્ટ્રેલિયન ડોલર્સ (અંદાજે 70 લાખ ભારતીય રૂપિયા) પ્રાઈઝ મની મળી હતી.
સુમિત સિવાય યુકી ભામ્બ્રી ફ્રાન્સના અલ્બાનો ઓલિવેટ્ટી સાથે, એન. શ્રીરામ બાલાજી મેક્સિકોના મિગ્વેલ એન્જેલ રેયેસ – વેરેલા સાથે તથા ઋત્વિક બોલિપલ્લી અમેરિકાના રાયન સેગેરમન સાથે પુરૂષોની ડબલ્સમાં સ્પર્ધામાં છે. આ વર્ષે ભારતની એકપણ મહિલા ખેલાડી મુખ્ય સ્પર્ધામાં નથી.