સીસીટીવી અને ફોરેન્સિક તપાસના કારણે હત્યાના શંકાસ્પદ આરોપી સુફિયન ચૌધરીને હેયઝમાં 40 વર્ષીય ક્રઝિઝટોફ બારનની હત્યા માટે દોષિત ઠેરવવામાં મદદ કરી હતી. જેને પગલે શુક્રવાર, 19 જુલાઈના રોજ આઇલવર્થ ક્રાઉન કોર્ટમાં સુફિયન ચૌધરીના સ્વ-બચાવના દાવાને નકારવામાં આવ્યો હતો.
39 વર્ષના ચૌધરીને 24 જુલાઈના રોજ તેજ કોર્ટમાં સજા સંભળાવતા પહેલા કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આ ઘાતકી હત્યા સુફિયાન ચૌધરીએ સ્વ-બચાવમાં કરી હોવાનું જણાવી ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો.
12 ઓગસ્ટ 2023ના રોજ સવારે લગભગ 11 કલાકે, હેયઝના નાઈન એકર્સ ક્લોઝ પર ગંભીર ઇજા પામેલ ક્રઝિઝટોફ બારન મળી આવ્યો હતો. દુર્ભાગ્યે તે થોડા સમયમાં મૃત્યુ પામ્યો હતો. રૂમમાં નોંધપાત્ર પ્રમાણમાં લોહી મળી આવ્યું હતું. ચૌધરીના કપડા પર લોહીના ડાઘા મળી આવતા હત્યાની શંકાના આધારે તેની ધરપકડ કરી તા. 14 ઓગસ્ટ 2023ના રોજ તેની સામે હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.