અમેરિકાની ખાનગી કંપની ફાયરફ્લાય એરોસ્પેસનું બ્લૂ ઘોસ્ટ નામનું અવકાશયાન રવિવાર, 2 માર્ચે સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતર્યું હતું. આ યાનમાં નાસાનું એક ડ્રિલ, વેક્યુમ અને બીજા સાધનો છે. ચંદ્ર પર અવકાશયાત્રી મિશન પહેલા આ એક મોટી સફળતા માનવામાં આવે છે. સીધું અને સ્થિર ઉતરાણ કરનારા ફાયરફ્લાય વિશ્વની પ્રથમ ખાનગી કંપની બની છે. અત્યાર સુધી રશિયા, યુએસ, ચીન, ભારત અને જાપાન સહિતના માત્ર પાંચ દેશો સફળતાપૂર્વક ચંદ્ર પર યાનનું લેન્ડિંગ કરાવી શક્યા છે.
ટેક્સાસના ઓસ્ટિનમાં કંપનીના મિશન કંટ્રોલે ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડિંગની પુષ્ટી આપી હતી. યાન આશરે 225,000 માઇલ (360,000 કિલોમીટર)ની સફર કરી ચંદ્ર પર પહોંચ્યું હતું. ફાયલફ્લાયના આ લેન્ડર માટેના મુખ્ય એન્જિનિયર વિલ કૂગને જણાવ્યું હતું કે મિશનમાં સામેલ તમામ લોકોને સફળતા મળી છે. આપણે ચંદ્ર પર પહોચી ગયા છીએ.
ચંદ્ર પર લેન્ડિંગના અડધો કલાકમાં બ્લૂ ઘોસ્ટે સપાટી પર ફોટા મોકલવાનું ચાલુ કર્યું હતું. પ્રથમ એક ફોટો એક સેલ્ફી હતી, જે સૂર્યની ચમકથી કંઈક અંશે ઝાંખી હતી. બીજી ફોટો પૃથ્વીનો હતો.
કંપનીએ જણાવ્યું હતું કે બ્લુ ઘોસ્ટ નામ એક દુર્લભ યુએસ પ્રજાતિના નામ પરથી રાખવામાં આવ્યું છે. ચાર પગવાળું
લેન્ડર 6 ફૂટ (2 મીટર) ઊંચું અને 11 ફૂટ (3.5 મીટર) પહોળું છે, જે તેને વધારાની સ્થિરતા આપે છે.
આ મિશન ફ્લોરિડાથી મધ્ય જાન્યુઆરીમાં લોન્ચ કરાયું છે. યાનમાં નાસા માટે 10 પ્રયોગો કરશે. નાસાએ યાનમાં તેના ઇક્વિપમેન્ટના વહન માટે 10.1 કરોડ ડોલરની ચુકવણી કરી છે. નાસાના કોમર્શિયલ લ્યુનાર ડિલિવરી પ્રોગ્રામ હેઠળનું આ ત્રીજું મિશન છે, જેનો હેતુ આ દાયકાના અંતમાં અવકાશયાત્રીઓને મોકલતા પહેલા જરૂરી સંશોધન કરવાનો છે. તેનો એક હેતુ ચંદ્રની ઇકોનોમી માટે ખાનગી કંપનીઓને પ્રોત્સાહન આપવાનો પણ છે.
ફાયરફ્લાયના રે એલન્સવર્થે જણાવ્યું હતું કે લેન્ડરે સુરક્ષિત રીતે ઉતરાણ કરવા માટે પથ્થરો સહિતના જોખમોને પાર કર્યા હતાં. ટીમે લેન્ડરની ચોક્કસ સ્થિતિ જાણવા માટે ડેટાનું વિશ્લેષણ કરી છે, પરંતુ તે મેર ક્રિસિયમમાં 328-ફૂટ (100-મીટર) ટાર્ગેટ ઝોનમાં ઉતર્યું હતું. યાનમાં રહેલું વેક્યુમ ચંદ્રની ધૂળનું પૃથ્થકરણ કરશે, જ્યારે ડ્રિલ સપાટીથી 10 ફૂટ જેટલી ઊંડાઈએ તાપમાન માપવા માટે ડ્રિલિંગ કરશે.
