બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પરના તાજેતરના હુમલા વચ્ચે સરકારના ધાર્મિક બાબતોના સલાહકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશમાં એક સાથે ઇબાદત અને પૂજા કરવામાં કોઇ વાંધો નથી. જે લોકો સાંપ્રદાયિક સૌહાર્દને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમની સામે કડક કાર્યવાહી કરાશે. તેમણે તમામ ધર્મના લોકો શાંતિથી જીવી શકે તેવી ધાર્મિક સંવાદિતા સાથે દેશનું નિર્માણ કરવાની પણ હાકલ કરી હતી.
બાંગ્લાદેશ નેશનલ હિન્દુ ગ્રાન્ડ એલાયન્સે જણાવ્યું હતું કે શેખ હસીના સરકારના પતન પછીથી લઘુમતી સમુદાયને 48 જિલ્લાઓમાં 278 સ્થળોએ હુમલા અને ધમકીઓ મળી છે. સરકારી નોકરીઓમાં ક્વોટા સામે ભડકેલી હિંસામાં બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયના કેટલાક હિંદુ મંદિરો, ઘરો અને વ્યવસાયોને નષ્ટ કરાયા હતાં. હજારો બાંગ્લાદેશી હિંદુઓ હિંસાથી બચવા માટે પાડોશી દેશ ભારતમાં ભાગવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ચટ્ટોગ્રામ જિલ્લાના હલીશહર વિસ્તારમાં આવેલ હઝરત ઉસ્માન જામે મસ્જિદમાં શુક્રવારની જુમ્માની નમાજ પહેલા મુસ્લિમ શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરતા ધાર્મિક બાબતોના સલાહકાર ડૉ. એ.એફ.એમ ખાલિદ હુસૈને એવી ધાર્મિક સંવાદિતા સાથે દેશનું નિર્માણ કરવા હાકલ કરી હતી, જ્યાં તમામ ધર્મના લોકો શાંતિથી જીવી શકે. હું રાષ્ટ્રને એક સુમેળભર્યું રાજ્ય આપવા માંગુ છું. બાંગ્લાદેશ સાંપ્રદાયિક સૌહાર્દનો દેશ છે. આ દેશમાં એક જ સમયે ઉપવાસ અને પૂજા કરવામાં કોઈ વાંધો નથી. દરેક વ્યક્તિ પોતાના ધર્મનું મુક્તપણે પાલન કરશે અને તેનો પ્રચાર કરશે. તે તમામનો નાગરિક અધિકાર છે.