ભારતના નવા પ્રસ્તાવિત ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ, 2025ની જોગવાઈઓ પ્રમાણે માન્ય પાસપોર્ટ કે વિઝા વિના ભારતમાં પ્રવેશ કરનારાઓ વિદેશીઓને પાંચ વર્ષની જેલ અને રૂ. પાંચ લાખ સુધીના દંડ થઇ શકશે.
આ અંગેનું એક વિધેયક સંસદના ચાલુ સત્રમાં લોકસભામાં રજૂ થવાની શક્યતા છે. આ વિધેયકની જોગવાઈ મુજબ, માન્ય પાસપોર્ટ અથવા વિઝા વિના ભારતમાં પ્રવેશ કરનાર કોઇપણ વિદેશી નાગરિકને હવે મહત્તમ પાંચ વર્ષ સુધીની જેલ અને ૫ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જો કોઈ વ્યકિત બનાવટી પાસપોર્ટ અથવા ટ્રાવેલ ડોક્યુમેન્ટસ સાથે ભારતમાં પ્રવેશ કરશે તો તેને ઓછામાં ઓછી બે વર્ષ અને વધુમાં વધુ સાત વર્ષની સજા થઈ શકશે. જયારે દંડ ૧ લાખ રૂપિયાથી લઈને ૧૦ લાખ રૂપિયા સુધીનો હોઈ શકે છે.
આ જોગવાઈ ‘ઇમિગ્રેશન ઍન્ડ ફોરેનર્સ બિલ, ૨૦૨૫નો એક ભાગ છે, જે આ સત્રમાં લોક્સભામાં રજૂ કરાશે. આ વિધેયકનો હેતુ ચાર જૂના કાયદાઓને નાબૂદ કરીને એક વ્યાપક કાયદો બનાવવાનો છે.’
હાલમાં માન્ય દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશવા પર મહત્તમ પાંચ વર્ષની સજા અને દંડ થઇ શકે છે, જયારે નકલી પાસપોર્ટ પર પ્રવેશવા પર મહત્તમ આઠ વર્ષની જેલ અને ૫૦,૦૦૦ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. નવા નિયમો મુજબ જો કોઈ વિદેશી નાગરિક તેના વિઝાની મુદત કરતાં વધુ સમય ભારતમાં રહે છે, અથવા પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ કરે છે, તે ત્રણ વર્ષ સુધીની જેલ અથવા ૩ લાખ રૂપિયા સુધીનો દંડ, અથવા બંને થઇ શકે છે.
તેમજ તમામ યુનિવર્સિટીઓ, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને તબીબી સંસ્થાઓએ નોંધણી અધિકારી સાથે વિદેશી નાગરિકોની માહિતી શેર કરવાની રહેશે. જો વિદેશીને વિમાન, જહાજ અથવા પરિવહનના અન્ય માધ્યમ દ્વારા માન્ય દસ્તાવેજો વિના લાવવામાં આવે છે, તો તેને ૫ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
દંડ ન ભરવાના કિસ્સામાં તે પરિવહનના સાધનોને પણ જપ્ત કરી શકાય છે. એટલે કે જો કોઇ વિદેશી વ્યક્તિ માન્ય પાસપોર્ટ અથવા વગર ઇમિગ્રેશન ઓફિસર પાસે લાવવામાં આવે છે, તો તેને લાવનાર વાહક જવાબદાર રહેશે. નવું બિલ કેન્દ્ર સરકારને કોઈપણ વિદેશી નાગરિક અથવા વ્યકિતઓના કોઈ ચોક્કસ જૂથના પ્રવેશ પર પ્રતિબંધ મુકવાની સત્તા આપે છે.
