A general view of a ferry during the Storm Eowyn in Oban, Scotland, Britain, January 24, 2025. REUTERS/Russell Cheyne

છેલ્લા 10 વર્ષમાં યુકેમાં ત્રાટકેલા કદાચ સૌથી ભયાનક વાવાઝોડા – સ્ટોર્મ એહોવીનના કારણે સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડના કેટલાક ભાગોમાં મિલકતને વ્યાપક નુકસાન થયું હતું અને બે લોકોના મોત નિપજ્યા હતા. 100 માઈલ પ્રતિ કલાકથી (160 કિમી/કલાક) વધુ ઝડપે પવન ફૂંકાયો હતો અને દેશની લગભગ એક મિલિયન મિલકતોની વીજળી ગુલ થઇ ગઇ હતી. શુક્રવારે રેલ, હવાઇ, અનેક મુખ્ય રોડ અને ફેરી સેવાઓ રદ કરવામાં આવી હતી. બિઝનેસીસ અને શાળાઓને બંધ રાખવી પડી હતી. આયર્લેન્ડમાં તો 114 માઈલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જે રેકોર્ડ શરૂ થયા પછીનો સૌથી ઝડપી પવન છે.

એહોવીન વાવાઝેડાના કારણે અને ખાસ કરીને વીજળી ગુમાવી ચૂકેલા ઘરોને ફરીથી જોડવા માટે ચાલી રહેલા તાત્કાલિક કાર્યો અંગે સરકારના મિનિસ્ટર્સે કોબ્રા બેઠક યોજી હતી અને રીકવરીના પ્રયાસોમાં મદદ કરવા માટે એન્જર્નીયર્સને સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડ મોકલવામાં આવ્યા છે.

આયર્લેન્ડના કાઉન્ટી ડોનેગલમાં શુક્રવારે 114 માઈલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વિશાળ ઝાડ કાર પર પડતાં 20 વર્ષીય કેપર ડુડેક નામના યુવાનનું મોત થયું હતું જો અંગે આઇરિશ પોલીસ તપાસ કરી રહી છે. જ્યારે શુક્રવારે સ્કોટલેન્ડના ઇસ્ટ આયરશાયરમાં કાર પર વૃક્ષ પડવાથી 19 વર્ષીય યુવાનનું મોત થયું હતું. જ્યારે ગ્લાસગોના બાલમોર રોડ વિસ્તારમાં એક વૃક્ષ વાન પર પડતાં એક કારચાલક ઘાયલ થયો હતો.

મેટ ઓફિસે શુક્રવારે સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડના કેટલાક ભાગો માટે “જીવન માટે જોખમી” હવામાન બાબતે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. જ્યારે વિકેન્ડ માટે સમગ્ર યુકેમાં પવન માટે એમ્બર અને યલો એલર્ટ અપાયાં હતાં.

સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં મિલકતને વ્યાપક નુકસાન થયું હતું અને નેટવર્ક રેલ સ્કોટલેન્ડમાં લગભગ 400 જેટલા સ્થળે અવરોધ ઉભો થયો હતો. સ્ટ્રોમ એહોવીન બાદ આગામી અઠવાડિયા સુધી જોરદાર પવન ચાલુ રહેવાની ધારણા છે.

હવામાન વિભાગના આગાહી કરતા અગ્રણીઓએ એહોવીનને “ખૂબ જ અપવાદરૂપ” અને 20-30 વર્ષોમાં યુકેના કેટલાક વિસ્તારો માટેનું સૌથી તીવ્ર તોફાન તરીકે વર્ણવ્યું હતું.

સ્કોટલેન્ડના ફેર આઇલમાં વહેલી સવારે ૮૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને શનિવાર બપોરે ભારે વરસાદ, બરફ અને તોફાની પવનો નોર્ધર્ન આયર્લેન્ડમાં અને પછી વેસ્ટ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પ્રવેશ કર્યો હતો.

યુકે અને આયર્લેન્ડમાં લાખો લોકોને ઘરે રહેવા માટે કહેવામાં આવ્યું હતું અને 1,000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. શુક્રવારે બપોરે રિપબ્લિક ઓફ આયર્લેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં 10 લાખથી વધુ ઘરો, ખેતરો અને બિઝનેસીસ વીજળી વગર રહ્યા હતા. આયર્લેન્ડમાં 725,000 ગ્રાહકો અને નોર્ધર્ન આયર્લેન્ડમાં 283,000 ગ્રાહકો વીજળી વગર પ્રભાવિત થયા હતા. કેટલાક ઘરો અને બિઝનેસીસમાં તો એક અઠવાડિયા સુધી વીજ કાપનો અનુભવ થશે એમ લાગે છે.

વીજ કંપનીઓએ ચેતવણી આપી હતી કે દરેક ધરમાં વીજળીને પુનઃસ્થાપિત કરવામાં ઘણા દિવસો લાગી શકે છે. નોર્ધર્ન આયર્લેન્ડ ઇલેક્ટ્રિસિટીના મેનેજિંગ ડિરેક્ટર ડેરેક હાઇન્સે બીબીસીને જણાવ્યું હતું કે ‘’વાવાઝોડાથી વીજ નેટવર્કને વિનાશક સ્તરનું નુકસાન થયું છે અને અમે આવું ક્યારેય જોયું નથી.”

નોર્ધર્ન આયર્લેન્ડમાં એહોવીનના કારણે વૃક્ષો, ડાળીઓ અને અન્ય કાટમાળ પડી જવાના 1,800થી વધુ બનાવો બન્યા છે અને અગાઉ ક્યારેય જોવા મળ્યા ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. નોર્ધર્ન આયર્લેન્ડના એજ્યુકેશન મિનિસ્ટર પોલ ગિવાને જણાવ્યું હતું કે 100 શાળાઓની ઇમારતોને નોંધપાત્ર નુકસાન થયું હતું. જેને કારણે કેટલીક શાળાઓ સોમવારે ખુલશે નહિં.

આયર્લેન્ડમાં નેશનલ ગ્રીડના માળખાને થયેલા નુકસાન અભૂતપૂર્વ અને વ્યાપક હતું. આઇરિશ વોટરે જણાવ્યું હતું કે ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પમ્પિંગ સ્ટેશનોને વીજળીના અભાવે થયેલા નુકસાનને કારણે ઘણી જગ્યાએ પાણી પુરવઠો ખોરવાયો છે.

સ્કોટલેન્ડ પોલીસે જણાવ્યું હતું કે તેમણે દેશભરમાં હવામાન સંબંધિત લગભગ 1,900 બનાવો માટે જવાબ આપ્યો છે. ગ્લાસગોમાં ટીમના સ્ટેડિયમને નુકસાન થવાને કારણે શનિવારે સેલ્ટિક અને ડંડી વચ્ચે સ્કોટિશ પ્રીમિયરશીપ મેચ મુલતવી રાખવામાં આવી હતી.

સ્કોટલેન્ડના રેલ નેટવર્ક પર નુકશાનના 400 બનાવો નોંધાયા

સ્કોટ રેલે જણાવ્યું હતું કે “એહોવીનના કારણે વ્યાપક નુકસાન થયા બાદ રેલ નેટવર્કને સુધારવાનું કામ ચાલુ છે. સ્કોટલેન્ડના રેલ નેટવર્કને ટ્રેક પર ઝાડ અને ડાળીઓ પડવા સહિત લગભગ 400 બનાવો માટે જાણ કરવામાં આવી હતી. શુક્રવારે લગભગ 100,000 ઘરો વીજળી વગરના હતા અને રસ્તાઓ, પુલો અને જાહેર પરિવહનમાં ભારે વિક્ષેપ પડ્યો હતો તથા સ્કોટલેન્ડની 92% શાળાઓ બંધ કરવાની ફરજ પડી હતી.

રેલ લાઇનો પર વૃક્ષો ધરાશાયી થયા હોવાના અને ઓવરહેડ વીજળીની લાઇનને નુકસાન થયું હોવાના બનાવો નોંધાયા હતા. ઇન્સપેક્શન અને સમારકામ ચાલુ રહે તે દરમિયાન તેના “મોટાભાગના” રૂટ બંધ રહ્યા હતા. એડિનબરા અને ન્યૂકાસલ વચ્ચેની ઇસ્ટ કોસ્ટ મેઇન લાઇન શનિવારે ફરીથી ખોલવામાં આવી હતી. નેશનલ રેલે જણાવ્યું હતું કે નોર્ધર્ન ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના કેટલાક ભાગોમાં પવન અને વરસાદ કેટલીક રેલ સેવાઓને અસર કરશે.

સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર જોન સ્વિનીએ લોકોને “ઉચ્ચ સ્તરની તકેદારી” જાળવવા વિનંતી કરતાં કહ્યું હતું કે “અસાધારણ સ્ટ્રોમ પછી રસ્તાઓ, આવશ્યક સેવાઓ અને રેલ સેવાઓને સામાન્ય થવામાં દિવસો લાગશે. કેટલીક જગ્યાએ સફાઈ કર્મચારીઓ અને એન્જિનિયરો માટે કામ કરવું હજુ પણ ખૂબ જોખમી છે.’’

સ્વાની અને પોલીસે પણ ભારે પવનમાં ૧૧ ભારે માલવાહક લોરીઝ પલટી ખાઇ ગઇ હોવાના અહેવાલો બાદ લોરી ડ્રાઇવરોને રસ્તાઓથી દૂર રહેવા વિનંતી કરી હતી.

વાવાઝોડાના કારણે હવાઇ સેવાને પણ અસર

વાવાઝોડા એહોવીનને કારણે લંડન હીથ્રો, એડિનબરા અને ન્યૂકાસલ એરપોર્ટ પર વિલંબની જાણ થઈ રહી છે. કેન્સલેશન અને વિલંબ પછી ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ છે, પરંતુ એરપોર્ટ્સે ચેતવણી આપી હતી કે શુક્રવારના વિક્ષેપની આગામી દિવસોમાં સેવાઓ પર અસર પડશે. એડિનબરા એરપોર્ટે જણાવ્યું હતું કે શનિવારે તેમણે “પડકારજનક પરિસ્થિતિ” હેઠળ કાર્ય કરવું પડ્યું હતું. જ્યારે ગ્લાસગો અને બેલફાસ્ટ ઇન્ટરનેશનલે કહ્યું હતું કે મુસાફરોએ યાત્રા શરૂ કરતા પહેલા તેમની એરલાઇન સાથે મુસાફરી અંગે માહિતી મેળવી લેવાની રહેશે.

સ્કોટલેન્ડના પશ્ચિમી કિનારા પર ચાલતી ફેરીના મુખ્ય સંચાલક, કેલમેકે જણાવ્યું હતું કે તે હજુ પણ થોડો વિક્ષેપ અનુભવી રહ્યા છે, જોકે આઇરિશ સમુદ્રમાં મોટાભાગના ફેરી ક્રોસિંગ સામાન્ય રીતે કાર્યરત હોય તેવું લાગે છે.

ગ્લાસગો અને એડિનબરા એરપોર્ટથી ડઝનબંધ ફ્લાઇટ્સ રદ કરાઇ હતી. બેલફાસ્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નોંધપાત્ર વિક્ષેપની ચેતવણી આપવામાં આવી હતી. ડબલિન એરપોર્ટે શુક્રવારે ૧૧૦થી વધુ સુનિશ્ચિત પ્રસ્થાન અને ૧૧૦ આગમન રદ કરવાની જાહેરાત કરી હતી. યુકે સિવિલ એવિએશન ઓથોરિટીના પ્રવક્તાએ પણ વાવાઝોડું “નોંધપાત્ર વિક્ષેપ” લાવી શકે છે તેમ જણાવી ફ્લાઇટના લાંબા વિલંબનો સામનો કરતા તમામ મુસાફરોને રાત્રિ દરમિયાન ખોરાક, પીણા અને રહેવાની વ્યવસ્થા પૂરી પાડવાની માર્ગદર્શિકાનું પાલન નહિં કરનાર એરલાઇન્સ સામે પગલાં લેવામાં અચકાશું નહીં તેવી ચેતવણી આપી હતી.”

વિસ્ફોટક સાયક્લોજેનેસિસનું નિર્માણ

વિસ્ફોટક સાયક્લોજેનેસિસ તરીકે ઓળખાતી આ ઘટનામાં વાવાઝોડાનું કેન્દ્રિય દબાણ 24 કલાકમાં ઓછામાં ઓછું 24 મિલીબાર ઘટી જાય છે. તે સંજોગોમાં વેધર બોમ્બ બને છે. તે વખતે વાવાઝોડામાં હવા શોષાઈ જાય છે અને ઝડપી તીવ્રતાનું કારણ બને છે. આવી ઘટનામાં ગંભીર નુકસાન થાય તેટલા મજબૂત પવનો સર્જાય છે. ક્લાઇમેટ બ્રેકડાઉનના કારણે આ નાટકીય અને આત્યંતિક ઘટનાઓને વધુ સંભવિત બને છે.

  • સ્કોટલેન્ડના પશ્ચિમ કિનારા પર કેલમેક ફેરી અને હેયશામ અને આઇલ ઓફ મેન વચ્ચે સ્ટીમ પેકેટ ફેરીએ શુક્રવારે બધી સફર રદ કરી દીધી હતી.
  • તોફાન દરમિયાન કાઉન્ટી લિમેરિકના ફોયેન્સ ખાતે 1945માં સ્થાપિત 81 માઇલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલ સરેરાશ પવનની ગતિનો રેકોર્ડ તૂટી ગયો હતો.
  • ગુરુવારે લગભગ 4.5 મિલિયન લોકોને તેમના ફોન પર વાવાઝોડાની ચેતવણી આપવા માટે ઇમરજન્સી એલર્ટના SMS મળ્યા હતા.

LEAVE A REPLY