નવી દિલ્હીમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં ‘ધ સાબરમતી રીપોર્ટ’ ફિલ્મના પ્રદર્શન મુદ્દે ભારે હોબાળો થયો હતો. ગુરુવારે સ્ક્રીનિંગ દરમિયાન ફિલ્મના પોસ્ટરો ફાડવામાં આવ્યા અને પથ્થરમારો થયો હતો. આ મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ દાવો કર્યો કે, JNU કેમ્પસમાં મૂવીના સ્ક્રીનિંગ દરમિયાન બહારથી તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ થયા જ્યારે કેટલાક વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ થઈ છે. JNUની AVBP વિંગના પ્રેસિડેન્ટ રાજેશ્વરકાંત દુબેએ જણાવ્યું હતું કે, ઘટનાને પગલે સ્ક્રીનિંગ અટકાવવામાં આવ્યું હતું, પરંતુ થોડા સમય પછી તે ફરી શરૂ કરાયું હતું.
તેમણે કહ્યું કે, ગુરુવારે સાંજે સેંકડો વિદ્યાર્થીઓ ફિલ્મ જોઈ રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ તેમના પર પથ્થરમારો શરૂ કર્યો હતો. જો કે, આ મામલે યુનિવર્સિટી વહીવટીતંત્ર અથવા વિદ્યાર્થી સંઘ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
ABVPએ દાવો કર્યો કે, ડાબેરી સંગઠનોના કેટલાક વિદ્યાર્થીઓ પથ્થરબાજીમાં સામેલ હતા. દુબેએ જણાવ્યું હતું કે, અમે યુનિવર્સિટી વહીવટીતંત્રને ઔપચારિક ફરિયાદ કરી છે અને તેને દિલ્હી પોલીસને પણ સોંપીશું.
ABVPએ એક નિવેદનમાં આ ઘટનાને “ભારત વિરોધી” અને “હિન્દુ વિરોધી” ગણાવીને તેની નિંદા કરી છે. આ સાથે જણાવ્યું કે, સાબરમતી રીપોર્ટનું સ્ક્રીનિંગ સત્યને ઉજાગર કરવા માટે કરાયું હતું. ધ સાબરમતી રીપોર્ટ એક એવી ફિલ્મ છે જેણે તાજેતરમાં દેશભરમાં ઘણી ચર્ચા જગાવી છે. આ ફિલ્મ 2002ના ગુજરાત રમખાણોની પૃષ્ઠભૂમિ પર આધારિત છે અને એક મહત્વપૂર્ણ સામાજિક મુદ્દો ઉઠાવ્યો છે. આ ફિલ્મ રીલીઝ થઈ ત્યારથી જ વિવાદોમાં રહી છે. કેટલાક લોકોએ ફિલ્મને એકતરફી ગણાવી છે તો કેટલાક લોકોએ તેની પ્રશંસા કરી છે. ઘણા રાજ્યોએ આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી છે. આ ફિલ્મ 2002માં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં લાગેલી આગની ઘટના અને ત્યારબાદ થયેલા રમખાણોની તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ફિલ્મ એક પત્રકારની વાર્તા છે જે આ ઘટનાના સત્યને ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે.