- સરવર આલમ દ્વારા
ડોનર ટ્રાન્સપ્લાન્ટ પછી એશિયન બાળકો તેમના શ્વેત સમકક્ષ બાળકો કરતાં બમણા દર મૃત્યુ પામતા હોવાના અભ્યાસ બાદ સરકારને સ્ટેમ સેલ ડોનર રીસર્ચ ક્ષેત્રે વધુ રોકાણ કરવા વિનંતી કરવામાં આવી છે. ડોનર ટ્રાન્સપ્લાન્ટના પાંચ વર્ષમાં થતાં મૃત્યુને જોવામાં આવે તો શ્વેત બાળ દર્દીઓમાં 15 ટકા જોખમની સરખામણીમાં તમામ વંશના એશિયન બાળકોમાં જીવલેણ તકલીફોનું જોખમ 32 ટકા હતું.
સ્ટેમ સેલ ચેરિટી એન્થોની નોલાન અને બ્રિટિશ સોસાયટી ઓફ બ્લડ એન્ડ મેરો ટ્રાન્સપ્લાન્ટેશન એન્ડ સેલ્યુલર થેરાપી દ્વારા આ સંશોધન માટે NHSમાં 2009 અને 2020 ની વચ્ચે 19,000 કેન્સરના દર્દીઓ સહિત સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા 30,000 દર્દીઓનો સર્વે કરાયો હતો. તેમાં વય, રોગનો પ્રકાર, ટ્રાન્સપ્લાન્ટનો પ્રકાર અને ડોનર મેચિંગના સ્તર તથા દર્દીઓની વંશીયતા એશિયન, શ્યામ, શ્વેત કે અન્ય છે તે સહિતના પરિબળો જોવાયા હતા. એન્થોની નોલાન ખાતે ઇમ્યુનોજેનેટિક્સ અને રીસર્ચ સર્વિસીસ ડાયરેક્ટર અને આ અભ્યાસના મુખ્ય લેખક ડૉ. નીમા મેયરે ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું કે ‘’આ સ્વાસ્થ્યની અસમાનતા પાછળના કારણોને તાકીદે હલ કરવા માટે કામ કરવામાં આવે તે મહત્વપૂર્ણ છે. હું મિશ્ર એશિયન વારસાની છું; મારા માટે, વ્યક્તિગત રીતે, આ એક દુઃખદ અભ્યાસ છે અને તે નિરાશાજનક છે. અમે જાણીએ છીએ કે અસમાનતા અસ્તિત્વમાં છે, અને હવે અમે તેનો સામનો કરી આશા રાખીએ છીએ કે અમે બધા દર્દીઓના જીવનમાં સુધારો કરી શકીએ.”
સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટમાં દર્દીના લોહીના બિનઆરોગ્યપ્રદ સ્ટેમ સેલને દર્દી અથવા આનુવંશિક રીતે મેળ ખાતા દાતાના નવા સેલ સાથે બદલવામાં આવે છે. આ સારવાર લ્યુકેમિયા, એપ્લાસ્ટીક એનિમિયા અને મલ્ટીપલ માયલોમા જેવી બીમારીઓમાં મદદ કરી શકે છે.
ડોનર સેલનો ઉપયોગ કરીને ટ્રાન્સપ્લાન્ટ મેળવનારા દર્દીઓ માટે વંશીયતાની નોંધપાત્ર અસર જોવા મળી હતી. પણ જે દર્દીઓએ તેમના પોતાના સેલનો ઉપયોગ કરીને ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય તેમના માટે વંશીયતાની કોઈ અસર જોવા મળતી નથી.
અશ્વેત અને એશિયન પૃષ્ઠભૂમિના પુખ્ત દર્દીઓમાં સારવાર પછી બચવાનો દર સૌથી ખરાબ હતો અને શ્વેત દર્દીઓની સરખામણીમાં ડોનર ટ્રાન્સપ્લાન્ટના પાંચ વર્ષમાં મૃત્યુ થવાની શક્યતા 1.5 ગણી વધુ હતી.
મેયરે જણાવ્યું હતું કે, “સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટનો ઉપયોગ 50 વર્ષથી વધુ સમયથી બ્લડ કેન્સર અને બ્લડ ડિસઓર્ડરની સારવાર તરીકે કરવામાં આવતો હોવા છતાં, અત્યાર સુધી યુકેમાં દર્દીઓ દ્વારા અનુભવાતી આરોગ્યની અસમાનતાઓ વિશે થોડું જાણીતું હતું. અમે જાણીએ છીએ કે જટિલ આનુવંશિક, સામાજિક આર્થિક અને પ્રણાલીગત પરિબળો હોઈ શકે છે જે દર્દીઓના પરિણામોને અસર કરી શકે છે. અમારું સંશોધન સક્રિયપણે આમાંના ઘણા પરિબળોની અસરની તપાસ કરી રહ્યું છે, તેથી અમે બધા દર્દીઓને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટની સમાન ઍક્સેસ, અનુભવ અને પરિણામોની ખાતરી કરવા માટે કામ કરવાનું ચાલુ રાખી શકીએ.”
મેયરે ઉમેર્યું હતું કે ‘’NHS તરફથી (અત્યાર સુધી) કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી, ત્યારે NHS સાઇટ્સ પરના ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર્સે અભ્યાસને ટેકો આપ્યો છે અને અસમાનતાના કારણોને જોતા સંશોધનને આગળ વધારવા માટે સમર્થન આપવાની તૈયારી પણ દર્શાવી છે.
એન્થોની નોલાનના સ્ટ્રેટેજી અને ઇન્ફ્લુએન્સના ડાયરેક્ટર કેટલીન ફેરોએ જણાવ્યું હતું કે “સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ એ દર વર્ષે બ્લડ કેન્સર અથવા બ્લડ ડિસઓર્ડર ધરાવતા હજારો દર્દીઓ માટે છેલ્લી તક – સારવાર છે, અને લઘુમતી વંશીય જૂથોના દર્દીઓના પરિણામોમાં મળતી તીવ્ર અસમાનતા આઘાતજનક છે. સમસ્યાના સ્કેલને સમજવું એ પરિવર્તન લાવવાનું પ્રથમ પગલું છે. હવે, તે જરૂરી છે કે ચેરીટી સંસ્થાઓ, હેલ્થકેર પ્રોવાઇડર્સ અને સરકાર સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટમાં અસમાનતાના કારણોને દૂર કરવા અને તે માટેના સંશોધનમાં રોકાણ કરીને આ તારણો પર કાર્ય કરે.”
મેયરે કહ્યું હતું કે ‘’અમારી ટીમ હાલમાં બહુવિધ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે જે ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયાના વિવિધ તબક્કાઓને જોઈ રહી છે અને તે નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ વિવિધ તબક્કામાં અસમાનતા અસ્તિત્વમાં છે અને જો તે થાય છે, તો તેને ઉકેલવા માટેની વ્યૂહરચના સાથે આવી રહી છે. એ કહેવું ખરેખર મહત્વનું છે કે એશિયન અને બ્લેક પૃષ્ઠભૂમિના દર્દીઓના પરિણામોમાં તફાવત હોવા છતાં, હજુ પણ તેમના માટે મહત્વપૂર્ણ સારવાર વિકલ્પ છે.”
અગાઉના સંશોધનોએ દર્શાવ્યું હતું કે વંશીય લઘુમતી દર્દીઓમાં સારી રીતે મેળ ખાતા સ્ટેમ સેલ દાતા શોધવાની માત્ર 37 ટકા તકો હોય છે, જ્યારે શ્વેત દર્દીઓમાં 72 ટકા તકો હોય છે.
સ્ટેમ સેલ ડોનર બનવા માટે વધુ યુવાન પુરુષોની ખાસ જરૂરિયાત છે, કારણ કે ક્લિનિકલ ડેટા દર્શાવે છે કે યુવાન, પુરૂષ દાતાઓ તંદુરસ્ત સ્ટેમ સેલનો સૌથી વધુ ડોઝ પૂરો પાડતા હોવાથી તે ટ્રાન્સપ્લાન્ટ વધુ સફળ થાય છે. દાન કરતા અંદાજે 75 ટકા લોકો 30 વર્ષથી ઓછી ઉંમરના પુરૂષો છે, પરંતુ તેની સામે યુકેની સંયુક્ત સ્ટેમ સેલ રજિસ્ટ્રીમાં ફક્ત 12 ટકા લોકો જ અશ્વેત અથવા એશિયન પૃષ્ઠભૂમિના છે.
NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટના હેમેટોલોજી અને ટ્રાન્સફ્યુઝન મેડિસિનના સલાહકાર ડૉ. ખાલેદ અલ-ગરિયાનીએ જણાવ્યું હતું કે “જો તમે યુવાન અશ્વેત અથવા એશિયન માણસ હો તો સંભવિત બલ્ડ સ્ટેમ સેલ ડોનર તરીકે નામ નોંધાવી દાન કરશો તો કોઇ અજાણી વ્યક્તિનું જીવન બચાવી શકશો.”
ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ (APPG) દ્વારા યુકેમાં કરાતા અંગ દાનમાં એથનીસીટી ટ્રાન્સપ્લાન્ટેશન અને ટ્રાન્સફ્યુઝન માટેની તપાસમાં પણ લઘુમતી વંશીય અને મિશ્ર વારસાના લોકો વધુ ભોગ બનતો હોવાનું જણાયું હતું. અશ્વેત, એશિયન અને લઘુમતી વંશીય સમુદાયોના લોકો સિકલ સેલ અને કિડની રોગ જેવી પરિસ્થિતિઓથી અપ્રમાણસર અસરગ્રસ્ત બને છે, જેના કારણે તેમને દાતાઓની જરૂર પડવાની શક્યતા વધુ છે. જો કે, તેમને ડોનર રજીસ્ટર પર યોગ્ય લોહી, સ્ટેમ સેલ અથવા ઓર્ગન મેચ શોધવામાં નોંધપાત્ર અવરોધોનો સામનો કરવો પડે છે.
DKMS UKના મેનેજિંગ ડિરેક્ટર (ફાઇનાન્સ અને ઑપરેશન્સ) હસનીન અલિદિનાએ ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિના ઘણા લોકો સ્ટેમ સેલ ડોનર રજિસ્ટરમાં ઓછા પ્રતિનિધિત્વને કારણે સુસંગત સ્ટેમ સેલ મેચ શોધી શકતા નથી. અમે આ અંગે જાગૃતિ વધારવા માટે તેમના સમુદાયોમાં નેતાઓ સાથે ભાગીદારી કરીને યુકે લઘુમતી વંશીય પૃષ્ઠભૂમિના જરૂરિયાતવાળા દર્દીઓ કામ કરી રહ્યા છીએ.”
કેન્ટ યુનિવર્સિટીમાં સ્ટેમ સેલ બાયોલોજીના વરિષ્ઠ લેક્ચરર ડૉ. જીલ શેફર્ડ, શ્વેત અને શ્યામ કાળા દર્દીઓ વચ્ચે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટમાં અસમાનતાને દૂર કરવામાં મદદ કરવા માટે એક પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહ્યાં છે.
ડૉ. શેફર્ડે કહ્યું હતું કે “વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિના લોકો માટે મેળ ખાતા, અસંબંધિત ડોનર શોધવાનું વધુ મુશ્કેલ છે. શ્રેષ્ઠ સંભવિત મેચ ન મળવાનો સીધો સંબંધ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ પછી વંશીય લઘુમતીઓના લોકો મૃત્યુનો ભોગ બની શકે છે.