પ્રતિકાત્મક તસવીર (istockphoto)

નવું ફૂલ સ્ટેટ પેન્શન આગામી એપ્રિલથી વાર્ષિક £460 જેટલુ વધવાની ધારણા છે. “ટ્રિપલ લોક” તરીકે ઓળખાતી વ્યવસ્થા હેઠળ, સ્ટેટ પેન્શન દર વર્ષે કાં તો 2.5 ટકા અથવા ફુગાવા જેટલું અથવા સરેરાશ કમાણીમાં થતી વૃદ્ધિ, જેમાંથી સૌથી વધુ રકમ હશે તે મંજૂર થશે.

જુલાઇથી ત્રણ મહિનાના કમાણીના આંકડા વાર્ષિક વધારા માટે ઉપયોગમાં લેવાય છે, અને તેમાં કુલ પગાર 4 ટકાના વાર્ષિક દરે વધ્યો છે, જે ફુગાવા કરતાં ઘણો વધારે છે.

હાલમાં 12 મિલિયનથી વધુ લોકો સ્ટેટ પેન્શન મેળવે છે. નવીનતમ ONS આંકડાઓ મુજબ સંપૂર્ણ, નવું ફ્લેટ- રેટ સ્ટેટ પેન્શન (એપ્રિલ 2016 પછી સ્ટેટ પેન્શનની વય સુધી પહોંચેલા લોકો માટે) સપ્તાહમાં £230.05 સુધી વધવ ની અપેક્ષા છે. જે વર્ષે £11,962.60 થશે અને હાલની સરખામણીમાં £460નો વધારો છે.

સંપૂર્ણ, જૂના મૂળભૂત સ્ટેટ પેન્શનમાં (એપ્રિલ 2016 પહેલાં સ્ટેટ પેન્શનની વય સુધી પહોંચી ગયેલા લોકો માટે) સપ્તાહમાં £176.30 સુધી વધારો થાય તેવી અપેક્ષા છે. જે વર્ષે £9,167.60 થશે અને હાલની સરખામણીમાં £353.60નો વધારો થશે. ગયા વર્ષે, નવા સંપૂર્ણ સ્ટેટ પેન્શનમાં £900નો વધારો થયો છે. જો કે, તમામ પેન્શનરોને સંપૂર્ણ રકમ મળતી નથી. કેટલાક નિવૃત્ત લોકોને કામના સ્થળેથી અથવા ખાનગી પેન્શનમાંથી પણ વધારાની આવક પ્રાપ્ત થશે.

આગામી વર્ષ માટે અંતિમ સ્ટેટ પેન્શનનો આંકડો વર્ક અને પેન્શન સેક્રેટરી, લિઝ કેન્ડલ દ્વારા બજેટના સમયની આસપાસ નક્કી કરવામાં આવશે અને જો એક મહિનામાં સત્તાવાર કમાણીના આંકડાઓમાં સુધારો કરવામાં આવે તો તે અલગ હોઈ શકે છે.

ભૂતપૂર્વ પેન્શન સેક્રેટરી અને પેન્શન કન્સલ્ટન્ટ LCPના ભાગીદાર સ્ટીવ વેબે જણાવ્યું હતું કે ફુગાવાને જાળવી રાખવા માટે નવા સ્ટેટ પેન્શનમાં માત્ર £250થી વધુનો વધારો કરવાની જરૂર પડશે.

મે થી જુલાઇના સમયગાળામાં બેરોજગારીનો દર ઘટીને 4.1 ટકા થયો છે, જે જાન્યુઆરી 2024થી ત્રણ મહિના પછીનો સૌથી નીચો છે.

LEAVE A REPLY