ગુજરાતમાં રવિવાર, 26 જાન્યુઆરીએ રાજ્યકક્ષાની પ્રજાસત્તાક દિનની ઉજવણી તાપી જિલ્લાના તીતવા થઈ હતી. રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ત્રિરંગો લહેરાવ્યો હતો, જ્યાં પોલીસ બેન્ડ, સ્ટંટ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ વાતાવરણને દેશભક્તિથી ભરી દીધું હતું.

તેમણે ગણતંત્ર સમારોહ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. દેશપ્રેમ, રાષ્ટ્રભાવ અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેના જનવિશ્વાસનો અદ્‌ભુત સંગમ આ સમારોહમાં જોવા મળ્યો હતો. પ્રજાસત્તાક પર્વ ઉજવણી વખતે પોલીસ જવાનો, કમાન્ડો અને વિવિધ સેનાના જવાનોએ શ્વાસ થંભાવી દે તેવા કરતબો કર્યા હતાં. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો, ગરબા અને પરંપરાગત આદિવાસી નૃત્યો દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.

અગાઉ, પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આદિવાસી બહુમતી ધરાવતા તાપી જિલ્લાના જિલ્લા કલેક્ટર બિપિન ગર્ગને રૂ. 2.5 કરોડ અને જિલ્લા વિકાસ અધિકારી વી એન શાહને રૂ. 2.5 કરોડનો ચેક અર્પણ કર્યો હતો.શનિવારે વ્યારામાં યોજાયેલા કાર્યક્રમમાં બોલતા દેવવ્રતે જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય તહેવારો અને સાંસ્કૃતિક કાર્યક્રમો દેશની એકતાને ઉજાગર કરવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે. ભારતે 26 જાન્યુઆરી, 1950ના રોજ વિશ્વમાં સૌથી લાંબુ લખાયેલું બંધારણ અપનાવ્યું હતું. આજે, દેશનો દરેક નાગરિક બંધારણીય અધિકારો દ્વારા લોકશાહીની મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યો છે.”

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આદિવાસી નેતા બિરસા મુંડાએ આદિવાસીઓમાં પોતાની સેના દ્વારા અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવાની ચેતના, હિંમત અને બહાદુરી જગાડી હતી.ઉમરગામથી અંબાજી સુધીના સમગ્ર વિસ્તારના આદિવાસીઓએ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઘણું યોગદાન આપ્યું છે.

રાજ્યના તમામ જિલ્લા મથકોમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બોલિવૂડ અભિનેતા આમિર ખાને નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.

LEAVE A REPLY